
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરનો કહેર વર્તાઈ રહ્યો છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થતાં સમગ્ર જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. પૂર્ણા નદીમાં વર્ષ 1968 પછીની સૌથી મોટી રેલ જોવા મળી રહી છે, જેના કારણે નવસારી શહેરનો 50 ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જિલ્લાભરમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં તંત્ર દ્વારા મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પૂર્ણા નદીના પૂરના પાણી નવસારી શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. શાંતાદેવી વિસ્તારમાં આવેલી મોટી ઈમારતોના પહેલા માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. નવસારી શહેરના અંદાજે 50 હજારથી વધુ લોકો અને ગ્રામીણ વિસ્તારોના દોઢ લાખથી વધુ લોકો આ મહાપૂરથી પ્રભાવિત થયા છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણા નદીના કાંઠે આવેલું કાછીયાવાડી ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યાં મંદિર પરિસર અને ઘરોના પહેલા માળ સુધી પાણી ભરાઈ જતાં અંદાજે 500 થી વધુ લોકો ફસાયા છે અને કાછીયાવાડીથી નવસારી જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે.
બીલીમોરામાં અંબિકા નદીનું જળસ્તર સતત 40 ફૂટથી ઉપર રહેતાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. 24 કલાક વિતી ગયા હોવા છતાં પાણી ન ઓસરતાં કિનારાના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બીલીમોરાના ધોબી તળાવ અને વખારિયા બંદર આઈસ ફેક્ટરી જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિક યુવાનોએ પણ સાહસ બતાવીને 100 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
બીજી તરફ, ગણદેવીમાં રાહત કામગીરી માટે પહોંચેલી NDRF ની ટીમને અડચણનો સામનો કરવો પડ્યો હતો. અંબિકા નદીના બ્રિજની સેફ્ટી રેલિંગ તૂટીને રસ્તા વચ્ચે આવી જતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો, જેને NDRF ની ટીમે તાત્કાલિક ધોરણે દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. બ્રિજ પરથી બોટ અને રેસ્ક્યૂ ટીમોને ગામડાંઓ તરફ રવાના કરવામાં આવી રહી છે.
હાલ નવસારી જિલ્લામાં NDRF ની 2 અને SDRF ની 2 ટીમો સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. હવામાન અનુકૂળ થતાં જ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. બચાવ કામગીરીમાં સ્થાનિક આગેવાનો, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ જોડાયા છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ઘરની બહાર ન નીકળવા, પૂરતા પ્રમાણમાં સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
