Site icon Time News

બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ; ગુજરાતમાં આજથી ત્રણ દિવસ બેંકો બંધ: 75 હજાર કર્મચારીઓ જોડાતા કરોડોના વ્યવહારો ખોરવાશે

દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતરી ગયા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી બેંક હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. આજે શુક્રવારે હડતાળ અને ત્યારબાદ શનિવાર તથા રવિવારની નિયમિત રજાઓને કારણે સતત ત્રણથી ચાર દિવસ સુધી દેશ અને રાજ્યમાં બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સળંગ રજાઓ અને હડતાળના કારણે સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નાણાકીય લેવડદેવડમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં 75 હજાર કર્મચારીઓ જોડાતા 15 હજાર કરોડના વ્યવહાર અટક્યા
આ દેશવ્યાપી હડતાળમાં એકલા ગુજરાત રાજ્યમાંથી જ ૭૫ હજારથી વધુ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ કામથી અડગા રહ્યા છે. અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાંથી જ 6 થી 7 હજાર જેટલા બેંક કર્મચારીઓ હડતાળમાં સક્રિય રીતે જોડાયા છે. આ ઉપરાંત વડોદરા, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ 2 હજારથી વધુ કર્મચારીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. રાજ્યભરમાં હડતાળના કારણે અંદાજે 15,000 કરોડના નાણાકીય વ્યવહારો અને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા અટવાઈ પડી છે.

5 ડે વર્કિંગની માંગ અને કેન્દ્ર સરકારની મંજૂરીમાં વિલંબ
બેંક યુનિયનોની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ સિસ્ટમ (5-Day Banking) અમલમાં મૂકવાની છે. ખાસ વાત એ છે કે આ માંગણીના બદલામાં કર્મચારીઓ દરરોજ 40 મિનિટનો કામકાજનો સમય વધારવા માટે પણ સંમત થયા હતા. યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, તમામ બાબતો પર સહમતિ બની ગઈ હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની આખરી/અંતિમ મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાકી હોવાના કારણે આખરે યુનિયનોએ હડતાળનું આકરું આયોજન કરવું પડ્યું છે.

હડતાળના દિવસે ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં બેંક કર્મચારીઓનો ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને દ્વારકા ખાતે વિવિધ યુનિયનોના બેંક કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કર્મચારીઓએ બેંકોની મુખ્ય કચેરીઓ અને શાખાઓ બહાર ભેગા થઈને પોતાની માંગણીઓ સંતોષવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રદર્શન કર્યું હતું. કર્મચારી નેતાઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

Exit mobile version