
રવિવારની વહેલી સવાર દિલ્હી માટે ગોઝારી બનીને આવી હતી. જેમાં દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં વહેલી સવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આગનું કારણ એસી બ્લાસ્ટ છે. હાલ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાના અહેવાલો છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની ગંભીરતા એથી સમજાઈ શકે છે કે ફાયર વિભાગને સવારે લગભગ 3:47 વાગ્યે કોલ મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે શોધ અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
માહિતી મળતાં જ કુલ 14 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા સાથે સાથે ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઝડપી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘનિષ્ટ ધુમાડા વચ્ચે પણ ટીમોએ બહાદુરીપૂર્વક કામગીરી કરી અને 12થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી. આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ હાલ સ્થળ પર કુલિંગ ઓપરેશન ચલાવી રહ્યું છે જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે.
