Site icon Time News

મસ્ક Vs અંબાણી: મસ્કના સણસણતા આરોપો પર રિલાયન્સનો પલટવાર:કહ્યું- ‘અમે ક્યારેય કોમ્પિટિશનથી ડરતાં નથી

સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ‘સ્ટારલિંક’ની ભારતમાં એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે કહ્યું કે તેઓ સ્પર્ધાથી ડરતા નથી. કંપનીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે સાચી સ્પર્ધા એ જ છે, જેનાથી ખબર પડે કે સૌથી સારી સર્વિસ કોણ આપી રહ્યું છે.

કંપનીએ આ નિવેદન એલોન મસ્ક દ્વારા લગાવવામાં આવેલા તે આરોપો બાદ જાહેર કર્યું, જેમાં તેમણે ભારતીય ટેલિકોમ કંપનીઓ પર સ્ટારલિંકનો માર્ગ રોકવાનો દાવો કર્યો હતો.

રિલાયન્સની સંપૂર્ણ પોસ્ટ….

ભારતીય કંપનીની જેમ અમે પણ એવા વાતાવરણમાં આગળ વધ્યા છીએ, જ્યાં નવી વિચારસરણી અને રોકાણનું સ્વાગત કરવામાં આવે છે- પછી તે દેશી હોય કે વિદેશી. પરંતુ આ બધું નિયમો અને કાયદા અનુસાર ચાલે છે. સરકારના નિયમો દરેક માટે એકસમાન છે, પછી કંપની દેશી હોય કે વિદેશી. જિયો સેટેલાઇટને પણ હજુ સુધી સરકાર તરફથી સંપૂર્ણ મંજૂરી મળી નથી અને તેઓ પણ પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.

અમે સ્ટારલિંક જેવી નવી કંપનીઓનું સ્વાગત કરીએ છીએ. 2016માં જ્યારે જિયો શરૂ થઈ હતી, ત્યારે તેમની પાસે એક પણ ગ્રાહક નહોતો અને ટેલિકોમ માર્કેટમાં પહેલેથી જ અનેક કંપનીઓ હાજર હતી. તેમ છતાં, 10 વર્ષમાં જિયોએ 53 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો અને દેશને સૌથી સસ્તો ડેટા અને શ્રેષ્ઠ સેવા આપી. જિયો હોય કે સ્ટારલિંક, દરેક કંપનીએ ભારતના કાયદા અને નિયમોનું પાલન કરવું જ પડશે.

મસ્ક Vs અંબાણી… સમજો સંપૂર્ણ વિવાદ

ઇલોન મસ્ક ભારતમાં સ્ટારલિંકના લોન્ચિંગમાં થઈ રહેલા વિલંબને લઈને છેલ્લા કેટલાક દિવસોથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વિલંબ માટે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જવાબદાર ઠેરવી રહ્યા છે અને તેમની વિરુદ્ધ સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

તાજેતરમાં મસ્કે પોતાની એક પોસ્ટમાં મુકેશ અંબાણી પર કટાક્ષ કરતાં તેમને ‘પ્રાઇમ મિનિસ્ટર અંબાણી’ લખ્યું હતું. આ પોસ્ટમાં તેમણે અંબાણીને ભારતના વાસ્તવિક બોસ ગણાવ્યા હતા.

તેમનો તર્ક હતો કે સ્ટારલિંક ભારતના ઇન્ટરનેટ વિનાના વિસ્તારોમાં કનેક્ટિવિટી પહોંચાડી શકે છે. તેનાથી દૂરદરાજના વંચિત બાળકોને શિક્ષણ અને નાના વેપારીઓને વૈશ્વિક બજાર સુધી પહોંચ મળશે.

મસ્કની આ પોસ્ટ બાદ કેટલાક લોકોએ કહ્યું કે ભારતમાં દુનિયાનું સૌથી સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. અહીં માત્ર ₹300-400 પ્રતિ મહિને 60GB ડેટા મળી જાય છે, જે દૂરદરાજના ગામોમાં પણ શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે જ્યારે સ્ટારલિંક અન્ય દેશોમાં લગભગ ₹2,200 પ્રતિ મહિને ચાર્જ કરે છે, તો ભારતમાં તેને કોણ ખરીદશે.

આ તર્કનો જવાબ આપતા મસ્કે કહ્યું કે એક તરફ તેઓ દાવો કરે છે કે ભારતમાં સ્ટારલિંક જિયોના સસ્તા પ્લાન્સનો મુકાબલો કરી શકશે નહીં. બીજી તરફ તેઓ એ પણ કહે છે કે સ્ટારલિંકના આવવાથી સ્પર્ધા વધશે. આ બંને વાતો એકસાથે સાચી હોઈ શકે નહીં.

હકીકત એ છે કે બજારમાં સ્પર્ધા વધવાથી હંમેશાં સામાન્ય ગ્રાહકોને જ ફાયદો થાય છે. સ્ટારલિંકના આવવાથી અંબાણીની કંપનીનો નફો થોડો ઘટી શકે છે, પરંતુ તેમનો વ્યવસાય બંધ નહીં થાય. દેખીતી રીતે, જો ભારતમાં સ્ટારલિંક ખૂબ મોંઘી હશે તો તેને કોઈ ખરીદશે નહીં, તેથી સ્પેસએક્સે અહીં ટકી રહેવા માટે પોતાની કિંમતો સસ્તી રાખવી જ પડશે.

સરકારનો જવાબ- ભારતમાં મોનોપોલીની મંજૂરી નહીં મળે

‘ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026’માં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં મોનોપોલીની મંજૂરી આપવામાં આવશે નહીં.તેમણે જણાવ્યું કે દેશમાં ત્રણ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓને લાઇસન્સ મળી ચૂક્યાં છે.

1. રિલાયન્સ જિયો સેટકોમ

2. ભારતી એરટેલ સપોર્ટેડ યુટેલસેટ વનવેબ

3. ઇલોન મસ્કની સ્ટારલિંક

જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે લાઇસન્સ મેળવનારી આ તમામ કંપનીઓની સુરક્ષા મંજૂરી હજુ બાકી છે. આ ઉપરાંત સેટેલાઇટ સ્પેક્ટ્રમના ભાવનિર્ધારણનું માળખું પણ નક્કી કરવામાં આવી રહ્યું છે. તમામ જરૂરી શરતો પૂર્ણ થયા બાદ જ ભારતમાં આ સેવાઓ શરૂ થઈ શકશે.

અંદમાનમાં ડ્રગ્સની તસ્કરી અને મણિપુર હિંસામાં સ્ટારલિંકના ઉપકરણો મળ્યા હતા

વર્ષ 2024માં ભારતીય એજન્સીઓએ અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં ડ્રગ્સની તસ્કરીની તપાસ દરમિયાન અને મણિપુરમાં સેનાના એક ઓપરેશન દરમિયાન સ્ટારલિંકનાં ઉપકરણો જપ્ત કર્યા હતા.

ઇલોન મસ્કે ત્યારે કહ્યું હતું કે ભારતમાં સ્ટારલિંકની સેવા ક્યારેય સક્રિય જ નહોતી. મળેલા ઉપકરણો સ્ટારલિંકના સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરી જ શકતા નહોતા.

સ્ટારલિંક કિટમાં સ્ટારલિંક ડિશ, એક વાઈ-ફાઈ રાઉટર, પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઈપોડ હોય છે. હાઈ-સ્પીડ ઇન્ટરનેટ માટે ડિશને ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે. iOS અને એન્ડ્રોઇડ પર સ્ટારલિંકની એપ ઉપલબ્ધ છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ સુધીની કામગીરી કરે છે.

Exit mobile version