
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળીના કડાકા સાથે વારંવાર ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અનેક જગ્યા પર પાણી ભરાવાની ગંભીર સ્થિતિ છે. ડ્રેનેજની અછતને કારણે રહેવાસીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
અનેક જગ્યા પર ઝાડ પડી જવાથી શોર્ટ સર્કિટ થયું છે અને વીજ પુરવઠો બંધ કરવો પડ્યો છે. બીજી તરફ મુંબઈમાં થોડાક વરસાદ બાદ અંધેરી સબવે પાણીથી ભરાઈ ગયો છે, જેને ખાલી કરવા BMC દ્વારા મોટર અને પંપનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
હવામાન વિભાગ મુજબ 20 થી 25 મે દરમિયાન મહારાષ્ટ્રના કોંકણ અને પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. 22 મે આસપાસ કર્ણાટક કિનારા નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં એક નીચા દબાણનું ક્ષેત્ર સર્જાય તેવી શક્યતા છે, જેનાથી મહારાષ્ટ્રમાં વધુ વરસાદ થઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખાસ કરીને રાયગઢ, રત્નાગિરી, મુંબઈ અને પાલઘર નજીક દરિયો તોફાની રહેવાની શકયતા છે. ઊંડા સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો, Nadiad: 8 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
