Site icon Time News

આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

માયાનગરી મુંબઈ અને તેના ઉપનગરોમાં સતત બીજા દિવસે મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદે ભારે તબાહી મચાવી છે. તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને ગાજવીજ સાથે વરસેલા આ વરસાદના કારણે મુંબઈના નીચાણવાળા અનેક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. 

નવી મુંબઈમાં આવેલી એશિયાની સૌથી મોટી અનાજ અને શાકભાજીની મુખ્ય મંડળી APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) ની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારથી જ વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈ અને નવી મુંબઈના વિસ્તારોમાં ગઈકાલે આખી રાત તીવ્ર પવન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે વાહન વ્યવહાર અને સ્થાનિક વ્યવસાયો પર તેની સીધી માઠી અસર જોવા મળી છે. ભારે પવનને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો મૂળમાંથી ઉખડીને રસ્તાઓ પર અને મકાનો પર ધરાશાયી થયા છે.

શહેરના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગ એવા જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર એક વિશાળ પીપળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જે નજીકમાં આવેલા એક રહેણાંક ઘર પર ખાબકતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત, બોરીવલીના શાંતિધામ વિસ્તારમાં પણ એક મોટું તોતિંગ વૃક્ષ ચાલુ રસ્તા પર પાર્ક કરેલી કાર પર તૂટી પડ્યું હતું, જેના લીધે આસપાસનો વાહન વ્યવહાર કલાકો સુધી સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને આધુનિક કટર મશીનની મદદથી વૃક્ષના મોટા ડાળખાઓને કાપીને રસ્તા પરથી દૂર કર્યા હતા, ત્યારબાદ જ વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થઈ શક્યો હતો.

ગુજરાતમાં વરસાદની માહોલ

ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

Exit mobile version