Site icon Time News

અમદાવાદમાં સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા

અમદાવાદમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના નકલી ડિરેક્ટર બનીને લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ) હેઠળ સસ્તા ભાવે મકાનો અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજેશ ઉર્ફે રાજભા બાબુલાલ રાઠોડ નામના શખ્સે પોતાની ખોટી ઓળખ આપીને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પ્રોફેશનલ નિયતિબહેન જૈન સહિત એકસાથે 11 જેટલા નિર્દોષ લોકો પાસેથી રૂ. 24.50 લાખની છેતરપિંડી આચરી છે.

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદી નિયતિબહેન જૈન અને આરોપીની મુલાકાત ગુજરાતી ફિલ્મોના સોશિયલ મીડિયા પ્રમોશન દરમિયાન થઈ હતી. આરોપીએ પોતાની પાસે ઘણી ફિલ્મો હોવાનું કહી નિયતિબહેનને સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે કામ કરવાની ઓફર આપી હતી. આ દરમિયાન તેણે પોતે ઔડામાં સેટલમેન્ટ કરાવી સસ્તામાં મકાન અપાવી શકે છે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. ફેબ્રુઆરી 2026માં નિયતિબહેન અને તેમના પતિ વસ્ત્રાપુર સ્થિત આરોપીના ઘરે ગયા ત્યારે તેમણે મકાન ખરીદવાની ઈચ્છા દર્શાવતા આરોપીએ ટોકન પેટે રૂ. 1 લાખ બેંક ટ્રાન્સફર મારફતે લીધા હતા.

આરોપીએ પોતાની વિશ્વસનીયતા જમાવવા માટે AUDAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પોતાનું નામ હોય તેવા બનાવટી દસ્તાવેજો તથા સ્વિસ બેંકમાં પોતાના રૂ. 3,400 કરોડ જમા હોવાનું દર્શાવતી નકલી બેંક સ્ટેટમેન્ટ બતાવી હતી. લાંબો સમય વિત્યા છતાં મકાન કે નાણાં પરત ન મળતાં પીડિતોએ 1 ઓગસ્ટના રોજ નોટરાઈઝ્ડ કરાર કરાવ્યો હતો, જેમાં આરોપીએ 17 ઓગસ્ટ સુધીમાં પૈસા ચૂકવવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ તેણે આપેલો રૂ. 6.30 લાખનો ચેક પણ બેંકમાં બાઉન્સ થયો હતો. આખરે ભાંડો ફૂટતાં પીડિતોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હવે પોલીસ તપાસ બાદ એ પણ સામે આવી શકે છે કે રાજભા રાઠોડે આ પહેલા કોઈ બીજા લોકો સાથે છેતરપિંડી કરી છે કે નહીં. હાલમાં રાજભા સામે તપાસ ચાલી રહી છે.                                               

Exit mobile version