
રક્ષાબંધન પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજને જોડતા અને સમરસતાના આ પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના અનુસંધાને સુરત મહાનગર ધર્મજાગરણ સમન્વય દ્વારા એક લાખથી વધુ રક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ ભવ્ય કાર્યક્રમ શ્રી ફુલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, લાલબંગલા, વીટી કોલેજ પાસે, સુરત ખાતે સવારે ૧૦.૦૦ કલાકે યોજાયો હતો.
સુરત અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફુલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધ શાળાના આંગણે તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક, મહા માંગલિક પ્રદાતા, પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય માર્ગદર્શક પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મોક્ષરત્ન સુરીજી મ.સા.ની પાવન નિશ્રા અને પ્રેરણાથી આ કાર્યક્રમ સંપન્ન થયો.
શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ધર્મ જાગરણ સમન્વય વિભાગને રક્ષાબંધન પર્વ આવતું હોવાથી, ખાસ કરીને એક લાખ અગિયાર હજાર રક્ષા પોટલીઓ તૈયાર કરવામાં આવી હતી. આ રક્ષાઓ આદિવાસી આંતરિયાળ વિસ્તારમાં સનાતન ધર્મની સાથે સમરસતા, એકતા અને સમન્વય વધુ દ્રઢ બને, અને તે વિસ્તારમાં ધર્મની રક્ષા થાય તે હેતુસર અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સુરતના આર.એસ.એસ. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ આદિના ધર્મ જાગરણ સમન્વય વિભાગના અગ્રણીઓ, તેમજ સંતો-મહંતોને આ રક્ષા પોટલીઓ અર્પણ કરાઈ હતી. તેઓ દ્વારા આ રક્ષાઓ ડાંગ જિલ્લા વિસ્તારના તમામ આદિવાસી ભાઈ-બહેનો અને પરિવારોને અર્પણ કરવામાં આવશે. આ પ્રવૃત્તિ સમાજમાં એકતા અને સૌહાર્દને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
