Site icon Time News

મુંબઈમાં 12 દિવસ મોડું ચોમાસું બેઠું, જાણો ગુજરાતમાં કઈ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું

હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જો કે, હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન 41°C ને પાર નોંધાયું હતું. બીજી તરફ, મુંબઈમાં સામાન્ય કરતાં 12 દિવસની વિલંબ બાદ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ચોમાસું તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે. મુંબઈમાં પણ આગામી સમય માટે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. જો કે, દેશમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય 106 મિમીની સરખામણીએ માત્ર 60.6 મિમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 43% ઓછો છે. 

ઉત્તર અને મધ્ય ભારતમાં હજુ રાહ જોવી પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેની એન્ટ્રી 3-4 દિવસ પછી થશે. દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોએ ચોમાસા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. દિલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની ડમરીઓ સાથે જોરદાર આંધી ચાલતા દિવસ દરમિયાન જ અંધારપટ છવાઈ ગયો હતો.

8 રાજ્યોમાં કાળઝાળ ગરમી, ઉત્તરાખંડ-પંજાબમાં આંધીની આગાહી

દેશના 8 રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યાં પારો 40°C ને પાર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 43.3°C નોંધાયું હતું. આગામી 24 અને 25 જૂન દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી અને પંજાબમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.

Exit mobile version