Site icon Time News

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન, તાપી, વલસાડ, સુરત અને નવસારીમાં પડ્યો વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત

ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને સુરતમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના વિવિધ તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે. 

સુરત શહેરની વાત કરવામાં આવે તો ભારે બફારા બાદ વરસાદનું આગમન થયું છે. સુરતના પીપલોદ, ડુમ્મસ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ સિવાય વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ઇટાવળા-જમાલપોર અને તાપીના વ્યારા-વાલોડ સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું નથી. અલ-નીનોને કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. વરસાદ ન આવવાને કારણે ધરતીપુત્રો પણ મુંઝવણમાં છે. હજુ સુધી વાવણી થઈ શકી નથી. બીજીતરફ અનેક શહેરોમાં ભારે ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે.

શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 જૂન આસપાસ ચોમાસું તેલંગણા, મહારાષ્ટ્ર અને ઓડિશાના ભાગોમાં આગળ વધી શકે છે. જેથી વરસાદનું જોર વધી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે. જેથી આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે 22 જૂને ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ સિવાય હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે 23 જૂને અમદાવાદ અને આણંદમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. તો 24 જૂને દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

Exit mobile version