Site icon Time News

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. અચાનક રસ્તા પર વૃક્ષ તૂટી પડતાં બે રિક્ષા અને એક ટુ-વ્હીલરને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ વૃક્ષ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર વૃક્ષ પડી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.આ ઘટનાને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના ટ્રિમિંગ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જમાલપુર યુવા કોંગ્રેસના પ્રમુખ નોમાન પઠાણે આક્ષેપ કર્યો છે કે વૃક્ષના ટ્રિમિંગ માટે ત્રણ વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં AMCના ટ્રિમિંગ વિભાગે કોઈ કાર્યવાહી કરી નહોતી. તેમણે એવો પણ દાવો કર્યો કે સ્થાનિક કોર્પોરેટરે પણ લેખિત રજૂઆત કરી હતી, છતાં તંત્રએ સમયસર પગલાં લીધા નહોતા.

નોમાન પઠાણના જણાવ્યા મુજબ જો ફરિયાદો પર યોગ્ય સમયે કાર્યવાહી કરવામાં આવી હોત તો આ જીવલેણ દુર્ઘટના ટાળી શકાત. તેમણે આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ કરી

બીજી તરફ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ કરી વાહનવ્યવહારને પૂર્વવત્ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  

લાલ દરવાજા વિસ્તારમાં પણ વૃક્ષ તૂટી પડ્યું હતું

એક દિવસ પહેલા જ  લાલ દરવાજા વિસ્તારમાં સરદારબાગની સામે આવેલા પે એન્ડ પાર્કિંગમાં એક વિશાળ વૃક્ષ પડવાની ઘટના બની હતી. સતત બીજા દિવસે શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.        

Exit mobile version