
ગુજરાત ATSને એક મોટી સફળતા હાથ લાગી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલાની કસ્ટડી મેળવવામાં ગુજરાત ATS સફળ રહી છે. જી હા… વર્ષ 2022ના કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ કેસમાં આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો.
આ ઘટના વિશે વાત કરીએ તો વર્ષ 2022 દરમિયાન ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામમાં એક દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે ધમધમતી મેફેડ્રોન (MD ડ્રગ્સ) બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ઘટના સ્થળેથી આશરે 87.728 કિલોગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી હતી. બીજી બાજુ ગુજરાત એટીએસની રેડ દરમિયાન સ્થાનિક પ્યાદાઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય માફિયા સલીમ ડોલા ફરાર થવામાં સફળ રહ્યો હતો.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલા ભારતની વિવિધ તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. ગુજરાત ATS, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કેન્દ્રીય એજન્સી NCBની તપાસમાં સામે આવ્યું હતું કે તે કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ રેકેટનો મુખ્ય ષડયંત્રકારી હતો. ભારતમાંથી ફરાર થયા બાદ તે દુબઈ અને અન્ય ખાડી દેશોમાં છુપાઈને રહેતો હતો. ત્યાંથી જ તે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ચલાવતો હતો. ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાયેલા કરોડો રૂપિયાને તે હવાલા નેટવર્ક દ્વારા ટ્રાન્સફર કરતો અને વિવિધ ક્ષેત્રોમાં બેનામી રોકાણ કરતો હતો.
સલીમ ડોલાને ઝડપી પાડવા માટે દેશ-વિદેશની વિવિધ એજન્સીઓ સક્રિય હતી. ગુજરાત ATS દ્વારા તેની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ તેમજ ઈન્ટરપોલ (Interpol)ના માધ્યમથી ‘રેડ કોર્નર નોટિસ’ જાહેર કરાઈ હતી. લાંબી ટેક્નિકલ, ડિપ્લોમેટિક અને કાયદાકીય પ્રક્રિયા બાદ આખરે ગુજરાત ATS તેને પાછો લાવવામાં સફળ રહી છે.
સલીમ ડોલાની ધરપકડ બાદ તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવશે. જી હા.. એજન્સીઓને આશા છે કે તેની કસ્ટડી દરમિયાન D-ગેંગના ભારતમાં સક્રિય અન્ય નેટવર્ક અને કડીઓની માહિતી મળશે. ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા ચહેરાઓ અને ફાઇનાન્સર્સના નામો ખુલ્લા પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ સપ્લાય રૂટ અંગેના મહત્વના પુરાવાઓ મળી શકે છે.
