Site icon Time News

સુરત સિવિલના ડૉક્ટરના આપઘાત કેસમાં મોટો ધડાકો: સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું, 4 સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડૉક્ટરે ગળે ફાંસો ખાાઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે. હવે રેસિડેન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડૉ. હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રેગિંગની ગંભીર બાબત પ્રકાશમાં આવતાં જ કોલેજ અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગમાં સંકળાયેલા તમામ 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો

મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતો 29 વર્ષીય ડૉ.હર્ષ સુભાષચંદ્ર પંડ્યા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો. નવમી ઓગસ્ટના રોજ સવારે ડૉ. હર્ષ હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા સિનિયર ડૉક્ટરે તેમને ફોન કર્યો હતો. જો કે, તેમનો ફોન બંધ આવતો હોવાથી સિનિયરે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું. જેથી પીજી હોસ્ટેલના રૂમ પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી ડૉક્ટરોએ બૂમો પાડી દરવાજો ખોલવા ઘણો પ્રયાસ કરવા છતાં ખુલ્યો ન હતો.

આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યોરિટી સ્ટાફને સાથે રાખીને દરવાજો તોડીને અંદર જતા ડૉ.હર્ષ પંખા સાથે દોરી ગળે ફાંસો બાધેલી હાલતમાં મળી આવતા તેઓ ચોકી ગયા હતા. આ અંગે જાણ થતાં સિવિલના ઈન્ચાર્જ તબીબી અધીક્ષક ડૉ.પારુલ વડગામા તથા ડૉક્ટરો સહિતનો સ્ટાફ અને ખટોદરા પોલીસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા.

આરોગ્ય મંત્રીના આદેશ બાદ સિવિલમાં તપાસ કમિટીની રચના કરી હતી

આ બનાવ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુબ જ ગંભીરતા દાખવીને તાકીદે નવી સિવિલ તબીબી અધિક્ષક અને મેડીકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે મંત્રીએ આપઘાત કરનાર ડોક્ટરના પિતા ફોન પર વાત કરીને સાંત્વના પાઠવી તેમજ ન્યાય આપવાની ખાતરી આપી હતી.

સિનિયરોની થોડી ઘણી તકલીફ રહેતી હોવાનું મૃતકના પિતાએ જણાવ્યું હતું

ડૉ.હર્ષના પિતા સુભાષચંદ્ર પંડ્યાએ કહ્યું કે, ‘હર્ષના મિત્રોનો મારી પર ફોન આવ્યો હતો કે, તમે લોકો અહીં આવી જાવો, હર્ષ આપણી વચ્ચે રહ્યો નથી. જેથી અમે સિવિલ ખાતે આવ્યા હતા. જોકે, તે કહેતો કે તકલીફ કંઈ નથી પણ સિનિયરની થોડી ઘણી તકલીફ રહેતી હતી.’

છ માસ પહેલા ડૉ.હર્ષ પંડ્યાની સગાઈ થઈ હતી

ડૉ.હર્ષ પંડ્યાએ ગત ફેબ્રુઆરી માસમાં સુરત ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. તે દરમિયા તેની સગાઈ થઈ હતી અને આગામી ડિસેમ્બર માસમાં તેના લગ્ન લેવા અંગેની વાત કરતા હતા. જોકે, રક્ષાબંધન પર્વની ગણતરીના દિવસ બાકી છે. ત્યારે બહેનનો એકનો એક લાડવાયો ભાઈ હર્ષના મોતના લીધે પરિવારજનો માતમ છવાઈ ગયો હતો.

ડૉ.હર્ષનું ફરી ફોરેન્સિક પેનલમાં પીએમ કરાયું

સિવિલના ડૉ. હર્ષ પંડ્યાનું રવિવારે સાંજે સાદુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં એકથી દોઢ કલાક પછી તેના પિતા સહિત પરિવારજનો તેના મોત અંગે શંકા ગઈ હશે, જેથી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી. જેથી પોલીસ દ્વારા ફરી ઈન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું હતું. બાદમાં ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું ડૉક્ટરે કહ્યું હતું.

પોલીસે મોબાઈલ- લેપટોપ કબજે લીધું

ડૉ.હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે તેના મોબાઈલ ફોન- લેપટોપ કબજે કરીને જરૂરી તપાસ હાથ ધરી છે. જોકે એફ.એસ.એલની ટીમ દ્વારા તેની રૂમમાં રહેલી વસ્તુઓ તેમજ સંભવિત પુરાવાઓની તપાસ કરવામાં આવશે.

Exit mobile version