Site icon Time News

અમદાવાદ દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો! સિક્યુરિટી કંપનીનું લાઇસન્સ એક્સપાયર, માલિક સામે ગુનો

અમદાવાદના જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ બાદ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી જે સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો તેનું PSARA લાઇસન્સ 5 એપ્રિલ, 2026ના રોજ એક્સપાયર થઈ ગયું હતું. કંપનીના માલિકે લાઇસન્સ રીન્યુ કરાવવા માટે કોઈ પ્રક્રિયા પણ કરી નહોતી. આ મામલે આનંદનગર પોલીસે કંપનીના માલિક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દુષ્કર્મના આરોપી ધર્મસિંહને સિક્યુરિટી કંપનીમાં નોકરી પર લાગ્યાને માત્ર ચાર દિવસ જ થયા હતા. કંપની તરફથી તેને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવી નહોતી. આ મામલે પોલીસે એ વન સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે કંપનીના લાઇસન્સ સહિત જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરી હતી.રામપ્રકાશ તિવારી વર્ષ 2015થી સિક્યુરિટી કંપની ચલાવે છે. કંપનીનું લાઇસન્સ વર્ષ 2021માં રીન્યુ કરાવવામાં આવ્યું હતું અને તેની માન્યતા 5 એપ્રિલ, 2026 સુધીની હતી. જોકે, 5 એપ્રિલ બાદ કંપનીનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોવા છતાં તેને રીન્યુ કરાવવા માટે કંપની તરફથી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. પોલીસે કંપનીની આ બેદરકારીને ધ્યાનમાં રાખીને માલિક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાનગી સિક્યુરિટી એજન્સીઓ માટે PSARA (Private Security Agencies Regulation Act) હેઠળ લાઇસન્સ મેળવવું અને તેની સમયસર રીન્યુઅલ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડની ભરતી અને તાલીમને લઈને પણ નિયમોનું પાલન કરવાનું હોય છે.

સિક્યુરિટી એજન્સી અને ગાર્ડ માટેના મુખ્ય નિયમો

મળતી માહિતી મુજબ ગુજરાતમાં અંદાજે 2,500 જેટલી ખાનગી સિક્યુરિટી એજન્સીઓ કાર્યરત છે, જ્યારે અમદાવાદમાં આ સંખ્યા આશરે 600થી 800 વચ્ચે હોવાનું જણાવાય છે.

રાજ્યમાં અંદાજે 5થી 6 લાખ સિક્યુરિટી ગાર્ડ, જ્યારે અમદાવાદમાં આશરે 1.50 લાખ ગાર્ડ વિવિધ સ્થળોએ ફરજ બજાવે છે. બિનહથિયારધારી સિક્યુરિટી ગાર્ડ સામાન્ય રીતે સોસાયટી, મોલ અને ઓફિસમાં તહેનાત હોય છે, જ્યારે હથિયારધારી ગાર્ડ બેંકની કેશ વાન અને જ્વેલરી શોરૂમ જેવા સ્થળોએ ફરજ બજાવતા હોય છે. બિનહથિયારધારી ગાર્ડને સામાન્ય રીતે રૂ.13થી 18 હજાર અને હથિયારધારી ગાર્ડને રૂ.22થી 28 હજાર સુધીનો પગાર મળતો હોવાનું જણાવાય છે.

મોટી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ ખાનગી સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં ફરજ બજાવતા હોવા છતાં તેમની ભરતી, પોલીસ વેરિફિકેશન, તાલીમ અને કામગીરી પર પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. જોધપુર ગામના દુષ્કર્મ કેસમાં આરોપી ગાર્ડની ભરતી બાદ કંપનીના લાઇસન્સ અને તાલીમ સંબંધિત બેદરકારી સામે આવતા હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version