Site icon Time News

ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર, જીતુભાઈ વાઘાણીએ કરી દીધો ખુલાસો

ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે ફરી એકવાર ઝેરી દારૂએ 8 પરિવારોના ઘરમાં માતમ પાથરી દીધો છે. ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં સર્જાયેલા ઝેરી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક હવે 8 પર પહોંચી ગયો છે, જ્યારે 39થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તપાસમાં નકલી દારૂનો કારોબાર, દિલ્હીથી આવતું કેમિકલ, અમદાવાદ કનેક્શન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું છે.

મોતની મહેફિલ… અને એક પછી એક બુઝાતા જીવ.. ભાવનગરના ખરકડી ગામમાં ચાર દિવસ પહેલાં મિત્રો ભેગા થયા. દારૂની મહેફિલ જામી. પરંતુ કોઈને ખબર નહોતી કે ગ્લાસમાં દારૂ નહીં, મોત પીરસાઈ રહ્યું છે. થોડા જ કલાકોમાં આંખે અંધારા આવવા લાગ્યા. ચક્કર, બેભાન થવાની ફરિયાદો શરૂ થઈ અને પછી એક પછી એક સાત લોકોના મોત થયા. હજુ પણ 39 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં ક્યાં દારૂ મળતો નથી એ સૌથી મોટો સવાલ છે. રાજ્યમાં નકલી દારૂની જેમ દારૂબંધી પણ નકલી છે. ગુજરાતમાં ઘણા સમયથી દારૂબંધી હટાવવા માટે અનેક ચર્ચાઓ ચાલી છે. ગુજરાત સરકારી ગીફ્ટ સીટીમાં અનેક નિયમો હેઠળ દારૂને છૂટછાટ આપી છે પણ ગુજરાત ભરમાં દારૂબંધી હટાવવા માટે સરકાર આજે પણ નનૈયો ભણી રહી છે.

ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ એવા સોશિયલ મીડિયામાં ચાલેલા ટ્રેન્ડ વચ્ચે આજે ગુજરાત સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુલાસો કર્યો છે કે ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ ગુજરાતમાં દારૂ એટલો જ વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં દારૂનું એક રીતસરનું નેટવર્ક ચાલે છે જેને કોઈ પણ સરકાર તોડવા માગતી નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશો કર્યા બાદ પોલીસ હાલમાં દરોડા પાડી રહી છે પણ શું ગુજરાતમાં દારૂબંધી લાગું છે એ સૌથી મોટો સવાલ છે. 

તપાસ આગળ વધી તો ખુલ્યું મોતના કારોબારનું મોટું નેટવર્ક. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા મયુરસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે નકલી દારૂ ભાવનગરના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે જ તૈયાર થતો હતો. આ આખા કાવતરાનો માસ્ટરમાઇન્ડ મધ્યપ્રદેશનો રઈસ અને તેનો સાથી નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 21 બુટલેગરો ઝડપાઈ ચૂક્યા છે. ભોપાલથી મુખ્ય આરોપી રઈસ સહિત ગૌતમ સોલંકી અને અન્ય મુખ્ય આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

  1. આટલું મોટું નેટવર્ક વર્ષોથી કોની નજર નીચે ચાલતું રહ્યું?
  2. દારૂબંધી કડક તો મોત વેચતો કારોબાર કેમ બંધ થતો નથી?
  3. કાર્યવાહી માત્ર ધરપકડ સુધી સીમિત રહેશે?
  4. આ આખા નેટવર્કનો કાયમી સફાયો થશે?

અત્યાર સુધીમાં કુલ 21 બુટલેગરો ઝડપાઈ ચૂક્યા છે

તપાસના તાર હવે અમદાવાદ સુધી પહોંચ્યા છે. દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઇથેનોલ અને એસન્સ દિલ્હીથી પાર્સલ મારફતે અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પહોંચાડવામાં આવતું હતું. SMC અને અમદાવાદ પોલીસે ગોડાઉનમાંથી CCTV ફૂટેજ કબજે કર્યા છે. સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોમ્બિંગ ઓપરેશન ચલાવીને 177થી વધુ દારૂના કેસ નોંધ્યા છે. ધોલેરા પોલીસે પણ કાર્યવાહી કરીને નકલી દારૂની 24 બોટલો જપ્ત કરી છે, જેને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે સાત લોકોના મોત પછી પણ કેટલાક ગામોમાં દારૂનું વેચાણ હજુ પણ યથાવત હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. નાના ખોખરા ગામના સરપંચે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો દાવો કર્યો છે. જ્યારે ખરકડી ગામના ઉપસરપંચે પોલીસની બેદરકારી અને કાયદાના નબળા અમલને આ દુર્ઘટના માટે જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ તંત્રએ લોકોને શંકાસ્પદ અને નકલી રોયલ સ્ટેગ દારૂથી દૂર રહેવા અપીલ કરી છે. અનેક લોકો સાવચેતીના ભાગરૂપે જાતે જ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. 

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ફરી એકવાર ઝેરી દારૂએ સાત જિંદગીઓ છીનવી લીધી છે. હવે સવાલ માત્ર એટલો નથી કે આ દારૂ કોણે બનાવ્યો. સવાલ એ છે કે આટલું મોટું નેટવર્ક વર્ષોથી કોની નજર નીચે ચાલતું રહ્યું?…જો દારૂબંધી ખરેખર કડક છે… તો મોત વેચતો આ કારોબાર કેમ બંધ થતો નથી?…

હવે સૌની નજર પોલીસની તપાસ પર છે… કારણ કે આ કાર્યવાહી માત્ર ધરપકડ સુધી સીમિત રહેશે કે પછી આ આખા નેટવર્કનો કાયમી સફાયો થશે?. તમને જાણીને નવાઈ લાગશે પણ વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતની સરહદો પર આવેલા ચેકપોસ્ટ્સ પરથી માત્ર બે જ વર્ષમાં આશરે ₹42 કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો. જેટલો પકડાય છે એના કરતાં અનેકગણો વધારે ગુજરાતમાં ઘૂસે છે.

લોકો કહે છે કે સામાન્ય બીટ જમાદારને પૂછો તો પણ એના એરિયામાં ક્યાં ક્યાં દારૂ મળે છે એનું લિસ્ટ આપી દેશે પણ પોલીસ હાલમાં દરોડાના નાટક કરી રહી છે. થોડા દિવસો સુધી આ દરોડા ચાલશે પછી બધું રાબેતામુજબ વેચાવાનું ચાલું થઈ જશે. આ લઠ્ઠાકાંડ પહેલીવાર થોડો થયો છે આ પહેલાં પણ લોકોનાં મોત થયા છે. ભલે દારૂડિયા મરે, સમાજમાં લોકોને કોઈ પરવાહ નથી પણ એના મોતથી એની પાછળ એનો પરિવાર પિસાઈ જાય છે. દારૂ એ માણસ પીતો નથી પણ દારૂ એ માણસને પી જાય છે. એ પરિવારની જિંદગી બરબાદ થઈ જાય છે. હાલમાં 9 પરિવારે પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે. 

ગુજરાતભરમાં પોલીસના દારૂના દરોડા
ભાવનગર નકલી દારૂ કાંડ બાદ ગુજરાત પોલીસ વડા જી એસ માલિકે સમગ્ર ગુજરાત maa દારૂ સબંધે કેસ કરવા ની ત્રણ દિવસ ની ડ્રાઇવ આપી હતી જેના અંતર્ગત અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસના ડી સ્ટાફને પાકી બાતમી મળી હતી કે નિકોલ સુનિલ માખીજા  અને કુબેરનગર ના દિનેશ જંડાવાલા નામના બે શખ્સો ભેગા મળીને બનાવટી ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ બનાવી બોટલોમાં ભરીને મોટાપાયે આર્થિક ફાયદા માટે વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે નિકોલ વિસ્તારમાં વોચ ગોઠવીને, નિકોલ ના અટલ આવાસ યોજના પાસેથી ૨૬ વર્ષીય સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો

Exit mobile version