
ગુજરાતમાં ભાદરવા મહિનામાં સારો વરસાદ થયો છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 12 કલાક કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોમાં પરત ફરી છે. આ સિસ્ટમને કારણે ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃષિ પાક માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. આ દરમિયાન ત્રણ ઈંચ સુધી વરસાદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વારો વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે ગ્રહોના ફેરફાર અને યોગોને કારણે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યમાં 23 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટાં પડતાં રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં પણ વરસાદ પડી શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું કે નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીના સાતમાં નોરતાથી દશેરા સુધી વરસાદની સંભાવના છે.
