Site icon Time News

ગિરનારમાં સિંહના હુમલા બાદ તંત્રનો મોટો નિર્ણય, પ્રવાસીઓ ખાસ વાંચી લે

જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહોની અવરજવર વધતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે. ગિરનાર પર પોલીસ અને વન વિભાગની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે ગિરનાર પર ચડાણ દરમિયાન ત્રણ સિંહ નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષાના કારણોસર તંત્રએ પ્રવાસીઓને આગળ વધતા રોકી દીધા હતા અને તેમને નીચે પરત મોકલવામાં આવ્યા હતા. હાલ સમગ્ર પરિસ્થિતિ પર વન વિભાગ અને પોલીસ સતત નજર રાખી રહ્યા છે.

ગિરનાર દર્શન માટે આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે તેઓ આજે સવારે ગિરનારના દર્શન કરવા આવ્યા હતા. પાહીડી વિસ્તારમાં પહોંચતા તેમને સિંહોના અવાજ સંભળાયા હતા. ત્યાં હાજર અન્ય લોકો સાથે મળીને તેમણે ત્રણ સિંહોને નજરે જોયા હતા. ત્યારબાદ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાએ અન્ય પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જ્યો હતો.પ્રવાસીએ વધુમાં જણાવ્યું કે સાંજે લગભગ 5:30 વાગ્યે તેમને માહિતી મળી કે આ જ રસ્તા પર સિંહ કોઈ બાળકને લઈને ગયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. તેમણે દાવો કર્યો કે ગિરનારની સીડી પર ઘણા વિસ્તારોમાં પૂરતી લાઇટની સુવિધા નથી. જેના કારણે પ્રવાસીઓને મોબાઇલની ટોર્ચના સહારે જ આવનજાવન કરવું પડે છે. અંધકારને કારણે જંગલી પ્રાણીઓ દેખાતા નથી અને અકસ્માત થવાનો પણ ભય રહે છે.

પ્રવાસીઓએ તંત્ર સમક્ષ ગિરનારની સીડીની બંને બાજુ મજબૂત ફેન્સિંગ કરવાની માંગ કરી છે. સાથે જ જ્યાં સિંહોની અવરજવર રહેતી હોય તેવા વિસ્તારોમાં વન વિભાગની કાયમી ટીમ તૈનાત રાખવાની પણ માંગ ઉઠી છે. પ્રવાસીઓનું કહેવું છે કે નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાથી આવી પરિસ્થિતિમાં જોખમ ઘટાડી શકાય છે.

પ્રવાસીઓએ ગિરનાર પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે પૂરતી લાઇટિંગ, ચેતવણી બોર્ડ, સીસીટીવી અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. તેમનું માનવું છે કે ગિરનાર પર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે, તેથી સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયમાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રવાસીઓ વધુ સુરક્ષિત અનુભવશે.વન વિભાગ અને પોલીસ દ્વારા ગિરનાર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રે લોકોને પણ સૂચના આપી છે કે સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ જોખમી વિસ્તારમાં જવાનો પ્રયાસ ન કરે.

Exit mobile version