
ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એસ. નાગરાજનની બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે મનપા કમિશનરની બદલી કર્યા બાદ કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કુલ ત્રણ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સુરત નાસિરનગર ડિમોલેશન બાદ વિવાદમાં આવેલા સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની મનપા કમિશ્નર પદેથી હટાવીને ગાંધીનગર ખાતે ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે.ની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC), ગાંધીનગરના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નાસીરનગરમાં કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે પ્રશાસન દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
હાઈકોર્ટે માત્ર સુરત મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે જ નહીં, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના DCP રાજદીપસિંહ નકુમની ભૂમિકા સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે જ્યારે સરકારે મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દીધી છે, ત્યારે તમામની નજર એ વાત પર કેન્દ્રિત છે કે, SOG DCP સામે સરકાર શું પગલા લેવામાં આવશે. આગામી 14 ઓગસ્ટના રોજ નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટમાં ફરી મહત્વની સુનાવણી હાથ ધરાશે, ત્યારે પોલીસ વહીવટ અને સરકાર કોર્ટ સમક્ષ શું રજૂઆત કરે છે તેના પર સૌની મીટ છે.
નોંધનીય છે કે, નાસીર નગરમાં ડિમોલિશન થયા બાદ શરૂઆતમાં પાલિકા દ્વારા આ કાર્યવાહી પાલિકાએ કરી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, બાદમાં પાલિકા કમિશનર એમ. નાગરાજને ડિમોલિશન પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું. શરૂઆત રજૂઆત અને બાદમાં કરવામાં આવેલા સ્વીકાર વચ્ચેના વિરોધાભાસને કારણે પાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
