
છેલ્લા કેટલાક દિવસોમાં મોંઘવારી વધવાને કારણે અનુમાન હતું કે ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે થોડી ડગમગી શકે છે. પરંતુ તાજેતરમાં આવેલા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ (MoSPI) ના રિપોર્ટે જે આંકડા રજૂ કર્યાં છે તે ચોંકાવનારા છે. આ આંકડા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) માં સારી ગતિ બનાવી રાખી છે. આ દરમિયાન દેશનો અસલી GDP 7.8 ટકાના દરથી વધ્યો છે.
હકીકતમાં 31 ઓગસ્ટ સોમવારે MoSPI એ નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ ક્વાર્ટરના GDPના આંકડા રજૂ કર્યાં છે. તે પ્રમાણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નોમિનન GDPમાં 10.3 ટકાની તેજી જોવા મળી છે. સરકાર અનુસાર દુનિયામાં ચાલી રહેલા આર્થિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ પોતાના વિકાસની ગતિ બનાવી રાખી છે.આ વખતે જીડીપીના આંકડા 2022-2023ને બેઝ યર એટલે કે પાયાનું વર્ષ ગણી જારી કરવામાં આવ્યા છે. સરકારે 27 ફેબ્રુઆરી 2026ના GDP ની વાર્ષિક અને ક્વાર્ટર ગણતરીની નવી સિરીઝ જારી કરી હતી. ત્યારબાદ 5 જૂને 2026 એ નાણઆકીય વર્ષ 2025-2026ના GDP ના શરૂઆતી એટલે કે પ્રોવિઝનલ આંકડા જાહેર કર્યાં હતા.
મંત્રાલયે નાણાકીય વર્ષ 2022- 23, 2023- 24 અને 2024- 25 ના વાર્ષિક આંકડાને પણ અપડેટ કર્યાં છે. તે માટે નવો ડેટા અને અલગ-અલગ સરકારી સ્ત્રોતમાંથી મળેલા આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરથી 2025-2026ના ચોથા ક્વાર્ટર સુધીના GDP ના આંકડાને અપડેટ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-2026ના પ્રોવિઝનલ GDP આંકડામાં પણ નવા ડેટાને સામેલ કરવામાં આવ્યા છે.
GDP આંકડામાં શું-શું સામેલ
GDP ની ગણતરીમાં ઔદ્યોગિક ઉત્પાદન, કિંમતો, બેન્કિંગ સેવાઓ અને અલગ-અલગ સરકારી વિભાગોમાંથી મળેલા વહીવટી આંકડાને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રાલયે GDP ની સાથે અર્થવ્યવસ્થામાં વપરાશ, રોકાણ અને બીજા ખર્ચ સાથે જોડાયેલા આંકડા પણ જારી કર્યાં છે. આ આંકડા સ્થિર કિંમતો એટલે કે 2022-2023ના આધાર પર અને વર્તમાન કિંમત બંનેમાં આપવામાં આવ્યા છે.
