
મહેન્દ્ર સિંહ ધોની હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક નવા અવતારમાં જોવા મળશે. IPL 2027 પહેલાં ફ્રેન્ચાઈઝીએ ધોનીને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. CSKએ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે, જેની સાથે ખેલાડી તરીકે ધોનીની કારકિર્દીનો પણ અંત આવ્યો છે.
પોતાની જાહેરાતમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જણાવ્યું છે કે ધોની આ ભૂમિકા સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરશે. તેઓ હવે ખેલાડી તરીકે નહીં, પરંતુ ટીમના મેન્ટર તરીકે સેવા આપશે.
ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો સંબંધ ખરેખર વિશેષ રહ્યા છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે અનેક યાદગાર સફળતાઓ હાંસલ કરી હતી. હવે, IPL 2027ની સીઝન નજીક આવી રહી છે ત્યારે ધોનીની ભૂમિકામાં બદલાવ આવશે. તે હવે મેન્ટર તરીકે ફ્રેન્ચાઈઝી અને તેના ખેલાડીઓ સાથે જોડાયેલો રહેશે.
તેના યોગદાનને યાદ કરતા ફ્રેન્ચાઈઝીના માલિકો અને મેનેજિંગ ડિરેક્ટરે હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને કહ્યું, મહેન્દ્ર સિંહ ધોની વિના CSK શક્ય નથી. અમે લગભગ બે દાયકા સુધી સાથે સફર કરી છે. જેમાં જીત, પડકારો અને જીવનના તમામ ઉતાર-ચઢાવનો સમાવેશ થાય છે. અમારા સંબંધોની મજબૂતી એ હકીકતમાં રહેલી છે કે અમે ક્યારેય એકબીજાના ઈરાદાઓ પર શંકા નથી કરી. આ વિશ્વાસને કારણે જ આ સફર શક્ય બની છે.
તેમણે 2008માં ધોનીને ચેન્નાઈ લાવવાના નિર્ણયને પણ યાદ કર્યો. શ્રીનિવાસને કહ્યું, 2008માં, મેં આગ્રહ રાખ્યો હતો કે ધોની CSKનો ભાગ હોવો જ જોઈએ. તે મારો શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક સાબિત થયો, માત્ર એટલા માટે નહીં કે તેણે ફ્રેન્ચાઈઝી માટે શું હાંસલ કર્યું, પરંતુ એટલા માટે કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે. ધોની હંમેશા અમારી ઓળખનો ભાગ રહેશે, CSK હંમેશા તેનું ઘર રહેશે.
