
મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પરભણી જિલ્લામાંથી આજે એક ખૂબ જ દુખદ અને મોટી દુર્ઘટના સામે આવી છે. પરભણીના માનવત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ શ્રીક્ષેત્ર યશવાડી હનુમાન (મારુતિ) મંદિરનો નિર્માણાધીન સભામંડપ અચાનક ધરાશાયી થયો છે. શનિવારના દિવસે આ ઘટેલી ઘટનામાં 30થી 40 લોકો દબાયા હોવાના અહેવાલ છે. જોકે, 5 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના અહેવાલો છે.
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં માનવત તાલુકામાં પ્રસિદ્ધ યશવાડી મંદીરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. શનિવારનો પવિત્ર દિવસ હોવાથી મંદિરે મારુતિરાયના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ દરમિયાન મંદિરમાં ચાલી રહેલા સભામંડપના બાંધકામનો એક મોટો હિસ્સો (છત) પત્તાના મહેલની જેમ અચાનક તૂટી પડ્યો છે.પ્રારંભિક અહેવાલો અનુસાર, મલબાની નીચે આશરે 20 થી 40 જેટલા શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા છે. કેટલાક સ્થાનિક અહેવાલોમાં જાનહાનિની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ આંકડો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરાયો નથી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને આપત્તિકાલિન ટીમો (Emergency Teams) ઘટનાસ્થળે દોડી ગઈ છે. જેસીબી અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યોએ વહીવટીતંત્રને કલેક્ટર અને એસપીના સીધા સંપર્કમાં રહીને રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બનાવવા કડક સૂચનાઓ આપી છે.
