Site icon Time News

પ્રવાસીઓ માટે આ તારીખ સુધી સિંહ દર્શન બંધ, સાસણ ગીરથી આવ્યા મોટા સમાચાર

રાજ્યના પ્રસિદ્ધ સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં યોજાતી જંગલ સફારી 16 જૂનથી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન ઉપલબ્ધ રહેશે નહીં.

વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન એશિયાટિક સિંહોનો સંવનન કાળ શરૂ થતો હોવાથી તેમની કુદરતી પ્રક્રિયા અને રહેણીકરણીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જંગલમાં વસતા અન્ય વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો પણ મુખ્ય હેતુ છે.

ચોમાસા દરમિયાન ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સફારી માટે ઉપયોગમાં લેવાતા કાચા રસ્તાઓ ધોવાઈ જવાની શક્યતા રહે છે. ઉપરાંત હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ જેવી નદીઓમાં ઘોડાપૂર આવતાં પ્રવાસીઓ તથા વાહનો માટે જોખમ વધી જાય છે.

પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વન વિભાગ દર વર્ષે ચોમાસાના ચાર મહિનાના ગાળામાં સફારી કામગીરી સ્થગિત રાખે છે. આ સમય દરમિયાન સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં સફારી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.વન વિભાગે પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન જંગલ સફારી માટે આયોજન ન કરવાની અને સફારી ફરી શરૂ થયા બાદ જ મુલાકાત લેવાની અપીલ કરી છે.

Exit mobile version