
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે જાણે કે વિદાય લીધી હોય તેવી સ્થિતિ બની છે. જોકે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ તરફ હવે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઓછી થતા 15 દરવાજામાંથી પાંચ દરવાજાને બંધ કરી દીધા હતા. આ તરફ હવે આગામી શનિવારે રક્ષાબંધનના તહેવારને લઈ પણ લોકો વિચારી રહ્યા છે કે, શનિવારે વરસાદ આવશે કે કેમ ?
આગામી શનિવારે રક્ષાબંધનના તહેવારને લઈ વરસાદના આગમનને લઈ અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. જો તમે પણ જાણવા માંગતા હોય છે કે, રક્ષાબંધનના દિવસે વરસાદ આવશે કે કેમ ? તો આ સમાચાર તમારી માટે છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહ માટે અને ખાસ કરી શનિવાર સુધી ક્યાંય પણ ભારે વરસાદની કોઈ ચેતવણી કે એલર્ટ આપવામાં આવ્યું નથી. એટલે કે રક્ષાબંધનના દિવસે રાજ્યમાં વરસાદ નહિવત જેવો હશે. જોકે કદાચ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે, સોમવારથી લઈ શનિવાર 9મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ સાથે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. 8-9 ઓગષ્ટના આ બે દિવસ રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી જોકે 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તમામ જિલ્લાના અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવે જાણીએ આજે ક્યાં પડશે વરસાદ ?
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. આ સાથે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની વકી છે. આ તરફ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરતારો છે તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ મધ્યમ વરસાદ પડશે. હવામાન અપડેટ મુજબ આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, મોરબીમાં વરસાદનું અનુમાન છે તો ભાવનગર, અમરેલી, કચ્છ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ થશે.
