જુનાગઢ મેળામાં કીર્તિ પટેલે મહિલા પોલીસ કર્મચારીને ધમકાવી, મીડિયાકર્મીઓ સાથે પણ કર્યું ગેરવર્તન

જુનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીના ભવનાથ મેળામાં ફરી એકવાર કીર્તિ પટેલ Kirti Patel વિવાદના કેન્દ્રમાં આવી છે. મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઘૂસી આવી કીર્તિ પટેલે મહિલા પોલીસ કર્મચારી સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે સુરક્ષા માટે તૈનાત પોલીસને અપમાનિત કરતા તેમણે પાછળ ન ફરવાનું કહી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સનાતની હોવાના નામે તેઓએ પોતાનો હક બતાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા પણ ગરમાઈ છે.
કીર્તિ પટેલે મહિલા પોલીસ અધિકારીને ધમકાવતા આંખો કાઢીને કહ્યું કે
” તો હું જતી રહીશ.., વાંહે વાંહે નહિ ફરવાનું.., હું કઈં આરોપી નથી હોં..”
કુખ્યાત કીર્તિ પટેલ જૂનાગઢમાં ચાલી રહેલા પવિત્ર મીનીકુંભમેળામાં પહોંચી હતી. ભગવો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ શિવરાત્રીમાં મેળામાં તો પહોંચી ગઇ પણ ગુંડાગીરી કરવાના લક્ષણોમાં સહેજ પણ ફેરફાર આવ્યો નહીં. પાપ ધોવા મૃગીકુંડમાં પવિત્ર ડૂબકી લગાવ્યા પછી તરત જ કીર્તિએ લક્ષણો ઝળકાવવાના શરૂ કરી દીધા હતા. મેળામાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા મહિલા કર્મચારીઓ સાથે કીર્તિ પટેલે દાદાગીરી કરી હતી. અને પોલીસને હટી જવાનું કહીને તેમનું અપમાન કર્યું તો સનાતની હોવાના નામે ગુંડાગીરી કરી હતી. એટલું જ નહીં મેળામાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પણ કીર્તિ પટેલે ગેરવર્તણૂક કરી હતી.
આ ઘટનાથી મેળા વિસ્તારમાં થોડા સમય માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તન કરાયું હોવાના દાવા સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. તંત્ર તરફથી ઘટનાની નોંધ લઈને જરૂરી તપાસ હાથ ધરીને આ ઘટના અંગે ચર્ચા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે આ કીર્તિના નામે પહેલો વિવાદ નથી. આ જ જુનાગઢના મેળામાં રવેડી પૂરી થયા પછી સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે કીર્તિ પટેલ પણ સાધુઓની વચ્ચે પહોંચી ડૂબકી લગાવતી જોવા મળી હતી. તે ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે સ્નાન કરતા હોવાના દૃશ્યો સામે આવતા જ વાતાવરણ ગરમાયું. ઘટનાની જાણ થતાં તંત્ર તરત જ સક્રિય બન્યું અને તેને મેળા પરિસરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી હતી.
મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સાધુઓના પરંપરાગત શાહી સ્નાન દરમિયાન સાધુવેશ ધારણ કરી અન્ય લોકો પ્રવેશ કરે તે દુઃખદ બાબત છે. આ પ્રકારની હરકતોથી ધાર્મિક લાગણીઓ દુભાય તેવી શક્યતા રહે છે.
ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી કીર્તિ પટેલ ફરી એકવાર તેના અંદાજ અને બેફિકરીના લીધે પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરવાને લીધે અને કુંડના નિયમનો ભંગ કરવાને લીધે ચર્ચામાં છે. તેવામાં ભવનાથ મેળાની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર વધુ સતર્ક બન્યું છે.