
કચ્છના ખાવડા સ્થિત આરી પાર્ક નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જતાં રસ્તા પર પૂરપાટ ઝડપે આવતા ટેન્કર અને મજૂરોથી ભરેલી બોલેરો ગાડી વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં NTPC કંપનીમાં કામ કરતા 7 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, NTPC કંપનીના કામદારોને લઈને જઈ રહેલી બોલેરોમાં પ્રાથમિક અનુમાન અનુસાર 15થી વધુ શ્રમિકો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર અન્ય મજૂરો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાવડા ખાતે લાવવા કવાયત હાથ ધરી હતી. આરી પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો પ્રથમ મોટો અને ગોઝારો અકસ્માત સર્જાતાં સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતના કારણો જાણવા આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપી હોસ્પિટલ પહોંચ્યા
કચ્છના ખાવડા સ્થિત આરી પાર્ક નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના નીપજેલા મોત વચ્ચે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પોલીસ વાહનો મારફતે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિની સમીક્ષા કરવા અને ખબર-અંતર પૂછવા માટે કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપી પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલ તંત્રને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર અને સુવિધાઓ પૂરી પાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. તદુપરાંત, વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો ઈજાગ્રસ્તોને વધુ સઘન સારવારની જરૂર પડશે, તો તેમને કચ્છ બહાર અન્ય હોસ્પિટલમાં રિફર કરવા માટે પણ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.
રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક રાજકોટ-જામનગર હાઈવે પર બાઈક અને જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણીની સરકારી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા જ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તની સારવાર તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
