
કર્ણાટક સરકારે બેંગલુરુમાં આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં સરકારે ભાગદોડ માટે આરસીબીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી છે. તેમાં ટીમના અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે કહ્યું હતું છે કે આરસીબીએ વિજય ઉજવણી માટે પરવાનગી લીધી ન હતી, તેણે ફક્ત સૂચના આપી હતી.
રિપોર્ટમાં ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે આરસીબીને જવાબદાર ઠેરવ્યું હતું. આરસીબીએ અચાનક પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય પરેડનું આયોજન કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે લાખો લોકો સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. ભાગદોડ દરમિયાન 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કર્ણાટક સરકારે રિપોર્ટમાં કહ્યું હતું કે વિજય પરેડ દરમિયાન ઘણી બેદરકારી થઈ છે અને કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. આ કાર્યક્રમનું આયોજન કરતી કંપની ડીએનએ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડે 3 જૂને જ પોલીસને જાણ કરી હતી, પરંતુ 2009ના આદેશ મુજબ પરવાનગી લીધી ન હતી. કોઈપણ ઘટના ન બને તે માટે પોલીસે મર્યાદિત કાર્યક્રમ માટે પરવાનગી આપી હતી પરંતુ અપેક્ષા કરતાં વધુ લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કોહલી ટીમનો અનુભવી ખેલાડી છે અને તે આરસીબીનો ચહેરો પણ છે. સરકારે હાઈકોર્ટમાં સુપરત કરેલા રિપોર્ટમાં કોહલીનો ઉલ્લેખ છે. સરકારે કહ્યું હતું કે આરસીબીએ 4 જૂને એક જાહેર કાર્યક્રમને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો દ્વારા કોહલીએ ચાહકોને કાર્યક્રમમાં મફતમાં હાજરી આપવા કહ્યું હતું.
આ પણ વાંચો, Gujarat Congress: અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભા વિપક્ષના નેતા
