
રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે, લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં રાજ્યમાં થોડીક આંશિક રાહત મળી શકે છે, ગરમીનો પારો સામાન્ય નીચો આવી શકે છે, પરંતુ આ બધાની વચ્ચે રાજ્યમાં કંડલા સૌથી ગરમ બન્યુ છે, ગઇકાલે કંડલામાં 46 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચતા લોકો પરેશાન થયા હતા.
આગ ઝરતી ગરમીમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, આજથી ગરમીમાં આંશિક ઘટાડાની આગાહી સેવાઇ છે. ગઇકાલે ગુરુવારે કંડલા એયરપોર્ટ સૌથી વધુ ગરમ રહ્યું હતુ, અહીંનું તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. હજુ પણ આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધીને 28 ડિગ્રી થતા રાત્રે પણ શહેરમાં ગરમી યથાવત રહે છે. બે દિવસ રાહત બાદ સોમવારથી ફરી ગરમીનું જોર વધશે.
આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ.1892 થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં આજે 133 વર્ષનું સૌથી વઘુ 45.2 સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે. ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વઘુ તાપમાન તા.14-04-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે.
