
ગ્લાસગો ખાતે હાલમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા છે. ગ્લાસગોમાં રમતના સમાપન સમારંભમાં ગીત સંગીતની ઉજવણી સાથે સાથે કોમનવેલ્થ ગેમ્સના 2030ના યજમાન તરીકે અમદાવાદનું સ્વાગત પણ કરશે. આ ઉજવણી દરમિયાન હેન્ડ ઓવરની સેરેમની પણ થશે. ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ દરમિયાન રવિવારે યજમાન બેટન (Host Baton) અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણ સાથે અમદાવાદની 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ તરફની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે.
રમતના મહાકુંભનું પ્રતિક એટલે બેટન આ કિંગ્ઝ બેટન રિલે એ કોમનવેલ્થ ગેમ્સની એક પરંપરા છે, જે કોમનવેલ્થ દેશોના વિવિધ સમુદાયોની ઉજવણી કરી પરસ્પર એકબીજાને જોડે છે. કોમનવેલ્થ સંગઠન આ બાબતે જણાવે છે કે, આ બેટન કોમનવેલ્થના તમામ 74 રાષ્ટ્રો અને પ્રદેશોમાંથી ગુજરે છે. દરેક રાષ્ટ્ર અને પ્રદેશ માટે એક બેટન બનાવાશે. જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને સર્જનાત્મકતા સાથે તેને પોતાની રીતે શણગારી શકે છે.
આવી દરેક બેટનમાં હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ IIIનો સંદેશાનો એક ભાગ હોય છે. જેમાં તેઓ પ્રથમ સંદેશ મુકે છે. આ બેટનને લઇને જતા લોકો સમાજમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ પ્રેરણાદાયી વ્યક્તિઓ હોય છે. ઇતિહાસમાં પહેલીવાર કોમનવેલ્થના દરેક રાષ્ટ્ર અને પ્રદેશને તેમની ઉજવણી માટે પોતાની બેટન મળશે અને તેઓને આ બેટનને પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે કસ્ટમાઇઝ અને શણગારી શકશે.
કોમનવેલ્થ બેટન રિલે 1958માં કાર્ડિફમાં યોજાઇ હતી. આ બેટનની ઊંચાઈ આશરે 470 મિમી છે અને દરેક બાજુ આશરે 70 મિમી પહોળી હોય છે. ગ્લાસગોમાં યોજાનાર આ હેન્ડઓવર સેગમેન્ટ ત્રણ એક્ટમાં ભજવવામાં આવશે. પ્રથમ એક્ટ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો હશે. જ્યારે એક્ટ બીજો એ શાસ્ત્રીય ભારતીય જુગલબંદી હશે. સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટીશ પાઇપ પ્લેયર રોસ એન્સલી વચ્ચે જુગલબંધી રચાશે. જે ગ્લાસગો 2026 ને અમદાવાદ 2030 સાથે જોડશે.
જ્યારે છેલ્લા એક્ટમાં સમગ્ર ભારતની યાત્રા દર્શાવવામાં આવશે. જેમાં ખાસ કરીને ગુજરાતની વાત હશે. ગ્લાસગો 2026ના ચીફ માર્કેટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર લુઈસા મેહોને જણાવ્યું હતું કે, “આ હેન્ડઓવર એ કોઇ ઔપચારિકતા નથી. આ ઘટના એક જ સ્ટેજ પર બે રાષ્ટ્રોની ભાવના વ્યક્ત કરશે. જ્યાં સિતાર અને પાઇપ્સ વચ્ચેના થનારી અસાધારણ જુગલબંધી થશે. જેમાં વંદે માતરમની ઉજવણી પણ શામેલ હશે. આ ઉપરાંત ગ્લાસગોના દર્શકોને અમદાવાદ 2030માં શું આવી રહ્યું છે તેની પણ પ્રથમ ઝલક આપવામાં આવશે.”
તો ગ્લાસગો 2026 ખાતેના સેરેમની ડિરેક્ટર ચંદા સિંહે જણાવ્યું હતું કે, “ આ હેન્ડઓવર સેરેમની દ્વારા અમે એવા ભારતનું પ્રદર્શન કરવા માંગતા હતા જે આત્મવિશ્વાસથી ભરેલું હોય અને પોતાની પરંપરાઓ સાથે જોડાયેલું હોય. અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષની ઉજવણી કરશે, અને આજનો સમારોહ તે પ્રવાસનું પ્રથમ પ્રકરણ છે.”
