
સુપ્રીમ કોર્ટે એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના અંગેની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાને ફક્ત “પાયલોટની ભૂલ” ગણાવવી દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકાર, DGCA અને એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) પાસેથી જવાબ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અકસ્માતની તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર એજન્સી પાસે કરાવવી જોઈએ. પીડિતોના પરિવારોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.
જણાવી દઈએ કે, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું. એ ઘટના મુદ્દે AAIB એ જુલાઈમાં તેનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં પ્લેન ક્રેશના કારણો પ્રકાશિત કરાયા હતા.
પ્રારંભિક તપાસ રિપોર્ટમાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. કોકપીટ ઓડિયો પ્રમાણે એક પાયલોટે પૂછ્યું, “તમે તેને કટ કેમ કર્યું?” બીજા પાયલોટે જવાબ આપ્યો, “મેં નથી કર્યું.” આનાથી પ્રારંભિક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે અકસ્માત કદાચ પાઇલટની ભૂલને કારણે થયો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આવું એકતરફી અર્થઘટન કરવું અયોગ્ય છે. આ ઘટનાની સ્વતંત્ર તપાસ વિના કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું અન્યાયી ગણાશે. કોર્ટે જણાવ્યું હતું કે અકસ્માતમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેથી પીડિતોના પરિવારોને ન્યાય અને સત્ય જાણવાનો અધિકાર છે.
આ પણ વાંચો, http://એર ઇન્ડિયાનું વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપીટમાં ઘૂસનારા 9 લોકોની અટકાયત
