Site icon Time News

કોરોના રિટર્ન્સ? આ રાજ્યમાં 12 નવા કેસ, 4 મોતથી ચિંતા વધી; આઈસોલેશન વોર્ડ બનાવાયો

આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસ (કોવિડ-19)ને લઈને એક ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનર જી. વીરપાંડિયને જણાવ્યું છે કે, 26 જૂનથી 16 જુલાઈ વચ્ચે રાજ્યમાં કોવિડ-19ના કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે આ સંક્રમિત દર્દીઓમાંથી 4 લોકોના મોત નીપજ્યા છે. કોરોનાના કેસ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર ઍલર્ટ થયું છે અને સાવચેતીના ભાગરૂપે કડપ્પાની RIMS હોસ્પિટલમાં ખાસ કોવિડ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

આરોગ્ય કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે 4 દર્દીઓના મોત થયા છે તેઓ પહેલાથી જ અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા હતા. આ તમામ દર્દીઓને હાઈ બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ (શુગર) અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓ હતી. મૃત્યુ પામેલા લોકોમાંથી ત્રણ દર્દી કડપ્પા જિલ્લાના હતા અને એક દર્દી કાકીનાડાનો રહેવાસી હતો. રાજ્યમાં સમય-સમય પર કોવિડના છૂટાછવાયા કેસ સામે આવતા રહે છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં આંધ્ર પ્રદેશમાં કોરોનાનો પહેલો કેસ 26 જૂને કડપ્પા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ 1 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે અન્ય 11 કેસ સામે આવ્યા હતા. આ પૈકી બે લોકો અગાઉ સંક્રમિત થયેલા દર્દીઓના સીધા સંપર્કમાં આવવાને કારણે બીમાર પડ્યા હતા.જી. વીરપાંડિયને વધુમાં જણાવ્યું કે આ તમામ કેસો અલગ-અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા છે, એટલે કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેસનું ઝુંડ (ક્લસ્ટર) નથી બન્યું, જે રાહતની વાત છે.રાજ્યમાં 26 જૂનથી 15 જુલાઈ દરમિયાન કુલ 67 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 12મો કેસ તમિલનાડુના વેલ્લોર સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં સામે આવ્યો હતો. હાલમાં નોંધાયેલા દર્દીઓમાંથી 3 દર્દીઓ હોમ આઇસોલેશનમાં (ઘરે જ સારવાર હેઠળ) છે, 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 3 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

Exit mobile version