
આંધ્રપ્રદેશમાં છેલ્લા 4 વર્ષમાં (2022થી અત્યાર સુધી) પહેલીવાર કોવિડ-19 (Covid-19)ના કારણે બે લોકોના મોત થયા છે. આ અચાનક બનેલી ઘટના બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ પૂરેપૂરું સતર્ક થઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઉપરાંત અન્ય 8 લોકો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ છૂટાછવાયા કેસો છે અને તેને કોઈ નવા પ્રકોપ કે લહેર તરીકે જોવામાં ન આવવા જોઈએ. આ બન્ને મોત અલગ-અલગ ગંભીર પરિસ્થિતિઓમાં થયા છે.
બન્ને દર્દીઓના મોત કઈ પરિસ્થિતિઓમાં થયા?
પહેલો કેસ: 60 વર્ષીય વૃદ્ધ (28 જૂને મોત)
પહેલો કેસ રાજમપેટ (કડપા જિલ્લો)ના રહેવાસી એક 60 વર્ષના વ્યક્તિનો હતો. તેમને પહેલા તિરુપતિની શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SVIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં ગંભીર હાલતને જોતા તેમને પડોશી રાજ્ય તમિલનાડુના વેલ્લોર સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC)માં રેફર કરવામાં આવ્યા હતા.દર્દી પહેલાથી જ ઘણી ગંભીર બીમારીઓથી પીડાતા હતા, જેમાં અનિયંત્રિત ડાયાબિટીસ અને કિડનીની બીમારી સામેલ હતી. 28 જૂને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. મોતના કન્ફર્મેશન માટે કરવામાં આવેલા આરટી-પીસીઆર (RT-PCR) ટેસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.
બીજો કેસ: 46 વર્ષના વ્યક્તિ (7 જુલાઈએ મોત)
બીજો કેસ કડપા શહેરના રહેવાસી એક 46 વર્ષીય વ્યક્તિનો હતો. તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ અને સતત ઉધરસના કારણે કડપાની ગવર્નમેન્ટ જનરલ હોસ્પિટલ (RIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન છાતીના સીટી સ્કેન પરથી ખબર પડી કે તેમના બન્ને ફેફસાંને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને તેમને ગંભીર ન્યુમોનિયા થઈ ગયો હતો, જે કોવિડ-19 ના ગંભીર લક્ષણો સાથે મેળ ખાતો હતો. સારવાર દરમિયાન 7 જુલાઈએ તેમણે દમ તોડ્યો હતો.
