Site icon Time News

અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આરોપ પ્રત્યારોપની સાથે સાથે પક્ષપલટાનો દોર પણ યથાવત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાંચ ટર્મથી કોર્પોરેટર તરીકે સેવા આપતા વરિષ્ઠ નેતા ઈકબાલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ હવે ગોમતીપુર વોર્ડથી AIMIMની ટિકિટ પર ચૂંટણી લડવાના છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લી ટર્મ સુધી પક્ષને વફાદાર રહ્યા હોવા છતાં AMCમાં વિપક્ષના નેતાના પદને લઈને તેમની સાથે અન્યાય થયો છે. વચન આપ્યા બાદ પણ તેમને આ પદ સોંપવામાં આવ્યું નથી.

ઈકબાલ શેખે આકરા શબ્દોમાં પ્રહાર કરતા ઉમેર્યું કે, “કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ હજુ સુધી રેસના અને લગ્નના ઘોડા ઓળખી શક્યું નથી.” તેમણે આરોપ લગાવ્યો કે પક્ષમાં ‘સારા નેતા’ નહીં પણ ‘મારા નેતા’ની માનસિકતા ચાલી રહી છે, જેના કારણે કોંગ્રેસ ડૂબી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં સિનિયર નેતાઓને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને છેલ્લી ઘડી સુધી મેન્ડેટ આપવામાં આવતું નથી. પક્ષના કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા ગેરવર્તન અને અન્યાયને કારણે માન-સન્માન ન જળવાતું હોવાથી તેમણે છેવટે કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: વિવાદિત કાર્યોમાં વિજય મળે, આ રાશિના જાતકોએ ખાન પાનમાં રાખવી સાવધાની, જુઓ આજનું રાશિફળ

Exit mobile version