
ક્રિકેટ રસિકો માટે રવિવારનો દિવસ ખરા અર્થમાં ‘સુપર સન્ડે’ બની ગયો! અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ની 19મી સિઝનની બ્લોકબસ્ટર ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ફરી એકવાર કમાલ કરી દીધો છે. ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટે હરાવીને RCB એ સતત બીજી વખત IPL ની ચમકતી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલીની શાનદાર 75 રનની નોટઆઉટ ઈનિંગ અને બોલરોના જબરદસ્ત પ્રદર્શનના જોરે RCB એ 156 રનનો ટાર્ગેટ માત્ર 18 ઓવરમાં જ પૂરો કરીને નવો ઈતિહાસ રચી દીધો છે.
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી RCB ની ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. IPL ના ઇતિહાસમાં સતત બે વખત ટ્રોફી જીતનારી RCB હવે માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ (2010 અને 2011) અને મુંબઈ ઈન્ડિયન્સ (2019 અને 2020) જ આવું કારનામું કરી શકી છે. ગત વર્ષે 2025 માં પોતાની પહેલી ટ્રોફી ઉઠાવનારી બેંગ્લોરની ટીમે 2026 નો ખિતાબ પણ જાળવી રાખીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. આ સાથે જ રજત પાટીદાર પણ એમએસ ધોની અને રોહિત શર્મા પછી સતત બે ટાઇટલ જીતનાર ત્રીજો કેપ્ટન બની ગયો છે.
ફાઇનલ મેચ પહેલા કોમેન્ટેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી ફાયદાકારક રહેશે. પરંતુ, કેપ્ટન રજત પાટીદારે બધાને ચોંકાવીને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એકદમ સાચો સાબિત થયો. ગુજરાત ટાઇટન્સ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી પણ તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. આખી સિઝનમાં ગુજરાતની જે નબળાઈ હતી તે ફાઇનલમાં પણ જોવા મળી. શુભમન ગિલ (10 રન), સાઈ સુદર્શન (12 રન) અને જોસ બટલર (19 રન) સસ્તામાં પેવેલિયન ભેગા થઈ જતા આખી ટીમ દબાણમાં આવી ગઈ હતી. જોકે, વોશિંગ્ટન સુંદરે 50 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને 155 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. બેંગ્લોર તરફથી રસિક સલામ દરે ઘાતક બોલિંગ કરતા 3 મોટી વિકેટો ઝડપીને ગુજરાતની કમર તોડી નાખી હતી.
156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની શરૂઆત ધમાકેદાર રહી. વેંકટેશ ઐયર અને વિરાટ કોહલીએ પાવરપ્લેમાં જ 70 રન ફટકારીને મજબૂત પાયો નાખ્યો. ઐયરે માત્ર 16 બોલમાં 32 રન બનાવ્યા, પણ તે કાગિસો રબાડાના બોલ પર કેચ આઉટ થયો (આ રબાડાની IPL ની 29મી વિકેટ હતી). ત્યારપછી દેવદત્ત પડિકલ (1 રન) અને કેપ્ટન રજત પાટીદાર (15 રન) પણ જલ્દી આઉટ થઈ ગયા. મેચમાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે રાશિદ ખાને પોતાની એક જ ઓવરમાં પાટીદાર અને કૃણાલ પંડ્યા (0 રન) ને આઉટ કરીને રોમાંચ વધારી દીધો.
એક સમયે લાગતું હતું કે કદાચ મેચ ફસાઈ જશે, પરંતુ ‘ચેઝ માસ્ટર’ વિરાટ કોહલી અડીખમ ઊભો રહ્યો. વિરાટે આક્રમક બેટિંગ કરતા માત્ર 25 બોલમાં પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી દીધી. સામે છેડેથી ટિમ ડેવિડે પણ 24 રનનું મહત્વનું યોગદાન આપ્યું. ડેવિડ આઉટ થયા બાદ જિતેશ શર્મા ક્રીઝ પર આવ્યો. અંતે વિરાટ કોહલીએ 42 બોલમાં 75 રનની વિજયી ઈનિંગ રમી અને શાનદાર સિક્સ ફટકારીને 12 બોલ બાકી રહેતા જ ટીમને ચેમ્પિયન બનાવી દીધી! ગુજરાત તરફથી બોલિંગમાં માત્ર રાશિદ ખાન જ સૌથી સફળ રહ્યો, તેણે 2 વિકેટ પોતાના નામે કરી.
