
વડોદરા શહેરમાં પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં અકસ્માત સર્જવાની ઘટના સામેે આવી છે. છાણી GSFC બ્રિજ પર રોંગ સાઈડમાં કાર લઇને આવતા પીએસઆઇએ અન્ય કારને ટક્કર મારી હતી તેમજ બાઇક સવારને અડફેટે લીધો હતો. PSI વાય.એમ.પઢિયારે નશાની હાલતમાં આ અકસ્માત સર્જ્યો હતો. તેમની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
PSI વાય.એમ.પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. વડોદરા પોલીસે રાજપીપળા જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરી છે. એવું જાણવા મળ્યું હતું કે પીએસઆઇ પઢીયાર હાલ રજા પર હતા, અને પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.
