Site icon Time News

International Yoga Day: અમદાવાદ જિલ્લા કક્ષાના 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી SGVP ગુરુકુળ ખાતે કરાઈ

સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાન (SGVP) ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુરુકુળના સાધકો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કર્યો હતો. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમથી લાઇવ સંબોધન કર્યું હતું, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ બંને સંબોધનોને ઉપસ્થિત સૌએ ધ્યાનપૂર્વક સાંભળ્યા અને નિયમિત યોગ સાધના કરવા અંગેની પ્રેરણા મેળવી હતી.

આ અવસરે સાંસદ બાબુભાઈ દેસાઈએ તેમના સંબોધનમાં યોગને ભારતની પ્રાચીન વિરાસતનું અમૂલ્ય રત્ન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઋષિ-મુનિઓના લાંબા આયુષ્યનું રહસ્ય યોગ સાધના હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ૧૭૭ દેશોની સર્વસંમતિથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા અપાઈ, જે આપણા દેશ માટે ગૌરવની વાત છે.

સાંસદ બાબુભાઈ દેસાઈએ સમજાવ્યું કે, ૨૧ જૂનનો દિવસ ખગોળીય અને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે સૂર્ય પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉચ્ચ સ્થાને હોય છે, જે લાંબામાં લાંબો દિવસ બનાવે છે. આ દિવસથી દક્ષિણાયનની શરૂઆત થાય છે, જે યોગ સાધના માટે અનુકૂળ સમયગાળો માનવામાં આવે છે. ભગવાન શિવ, જે પ્રથમ યોગ ગુરુ તરીકે ઓળખાય છે, તેમના યોગ જ્ઞાનનો પ્રસાર આ દિવસથી સંકળાયેલો છે.

યોગના લાભો પર પ્રકાશ પાડતાં સાંસદે જણાવ્યું કે, યોગ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારે છે. તે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, તણાવ અને હતાશા જેવા રોગોના નિવારણમાં મદદરૂપ છે. યોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે, અને સંગઠનવૃત્તિને પ્રોત્સાહન મળે છે. તેમણે ‘પગ ગરમ, પેટ નરમ, માથું ઠંડું’ના સૂત્ર દ્વારા યોગથી સંપૂર્ણ તંદુરસ્તીનું વર્ણન કર્યું હતું. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ સાથે યોજાયો હતો, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક અભિયાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના વિઝન સાથે સંકળાયેલો છે.

આ સંદર્ભે સાસંદે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી અને રાજ્યના નાગરિકોને યોગને જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની આ ઉજવણીએ યોગના મહત્ત્વને રેખાંકિત કરીને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ગ્રામ્ય એસ.પી. ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, અધિક કલેકટર યોગેશ ઠક્કર પ્રાંત અધિકારી હિતેશ જણકાટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Two expressways will be developed: રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવાશે, રાજ્યની 45 ટકા વસ્તીને ફાયદો થશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version