Site icon Time News

અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ:બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલું ટિશ્યુ પેપર મળ્યું

શુક્રવારે અમદાવાદથી લખનઉ થઈને દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાન હવામાં જ હતું, આ દરમિયાન ટોઇલેટમાં એક ટિશ્યુ પેપર મળ્યું, જેના પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. આ પછી પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગની મંજુરી માંગી.

ATCએ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કર્યા, પછી લેન્ડિંગની મંજુરી આપી. આ પછી સવારે 11:15 વાગ્યે ફ્લાઇટ (6E-2111) ને લખનઉ એરપોર્ટ પર ઉતારવામાં આવી. પછી તમામ 180 મુસાફરો અને તેમના સામાનને નીચે ઉતારવામાં આવ્યા હતા.

લગભગ 1 કલાક સુધી વિમાનમાં ચેકિંગ ચાલ્યું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અન્ય એજન્સીઓના જવાનોએ વિમાનની તપાસ કરી. ડોગ સ્કવોડે મુસાફરોના એક-એક સામાનનું ચેકિંગ કર્યુ. જોકે, કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલમાં, તમામ મુસાફરોને વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા છે. જોકે, વિમાન હજુ દિલ્હી માટે રવાના થયું નથી. આ જ વિમાનથી પૂર્વ IPS બીપી અશોક સહિત ઘણા લોકોને દિલ્હી જવાનું હતું.

ઇન્ડિગોના પ્રવક્તાએ કહ્યું-

ફ્લાઇટની અંદર એક ખતરાની સૂચના મળી. ત્યારબાદ સિક્યોરિટી પ્રોટોકોલ મુજબ વરિષ્ઠ અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી. સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું. વિમાનને જરૂરી તપાસ બાદ દિલ્હી માટે રવાના કરવામાં આવશે.

Exit mobile version