
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયા કપમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. એસીસી (ACC) મહિલા એશિયા કપ 2026 ની ફાઇનલ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ યજમાન શ્રીલંકાને 72 રનના મોટા તફાવતથી હરાવીને રેકોર્ડ 8મી વખત ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. અગાઉની સિઝનમાં ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ શરૂઆતથી જ પૂરા જોશમાં જોવા મળી હતી. આ ઐતિહાસિક જીત સાથે ભારતે એશિયા ખંડમાં મહિલા ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ ફરીથી પ્રસ્થાપિત કર્યું છે.
ફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને સ્ટાર ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 129 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાવી, જે મહિલા T20 ફાઇનલ અને એશિયા કપના ઇતિહાસમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો નવો રેકોર્ડ બની ગઈ છે. શેફાલી વર્માએ અત્યંત આક્રમક શૈલીમાં રમતા માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી, જે એશિયા કપના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી છે. તેણે કુલ 39 બોલનો સામનો કરીને 68 રનની તોફાની ઇનિંગ રમી હતી. સામે છેડે સ્મૃતિ મંધાનાએ પણ તેને ઉત્તમ સાથ આપતા 39 બોલમાં 59 રન બનાવ્યા હતા.
જોકે, આ બંનેની વિકેટ પડ્યા પછી ભારતીય ટીમની રમત થોડી ધીમી પડી ગઈ હતી. 129 ના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવ્યા બાદ, ભારતે ઝડપથી 5 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. પરંતુ અંતિમ ઓવરોમાં કમલિનીએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 5 બોલમાં 15 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં છેલ્લા બે બોલ પર 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારીને ભારતનો સ્કોર 183/5 સુધી પહોંચાડી દીધો હતો.
