
દેશમાં મોંઘવારી સામાન્ય જનતાનો કેડો મૂકવાનું નામ નથી લઈ રહી. સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે અને દેશનો છૂટક ફુગાવો સતત છઠ્ઠા મહિને વધીને જૂન 2026 માં 4.38% ના સ્તરે પહોંચી ગયો છે, જે મે મહિનામાં 3.93% હતો. ચિંતાની વાત એ છે કે આ છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 4% ના નિર્ધારિત લક્ષ્યાંકને પણ વટાવી ગયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલે ગૃહિણીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે, કારણ કે આ ઉછાળા પાછળ ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ મુખ્ય જવાબદાર છે.
જો વર્ષ 2026 ની શરૂઆતની વાત કરીએ તો, જાન્યુઆરી મહિનામાં ફુગાવો (CPI inflation rate India) 2.74% જેટલો ઘણો ઓછો હતો, જે જૂન સુધી આવતા-આવતા સતત વધીને 4.38% થઈ ગયો છે. આ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) માં થયેલા વધારાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ખાદ્ય ફુગાવાનો દર (CFPI) જૂન મહિનામાં વધીને 5.32% થઈ ગયો છે, જે મે મહિનામાં 4.78% હતો. ખાસ કરીને રસોડામાં રોજ વપરાતા આદુ અને ટામેટાં જેવા શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જૂનમાં આદુનો ફુગાવો 50.41% અને ટામેટાંનો 31.92% રહ્યો હતો. આ સિવાય સોના/હીરાના દાગીના (36.82%) અને ચાંદીના દાગીના (133.21%) ના ભાવ પણ ખૂબ ઊંચા રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે બટાકા (-20.34%), વટાણા (-9.67%), મોટર કાર/જીપ (-6.89%) અને જીરું (-3.75%) ના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
શહેરો કરતા ગામડાઓમાં મોંઘવારીનો માર વધુ
આ અહેવાલમાં એક ચોંકાવનારો ટ્રેન્ડ એ પણ સામે આવ્યો છે કે શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીની અસર વધુ જોવા મળી છે. જૂન 2026 માં, જ્યાં શહેરોમાં ફુગાવાનો દર 3.92% હતો, ત્યાં ગામડાઓમાં તે 4.74% નોંધાયો હતો.
તેલંગાણામાં સૌથી વધુ મોંઘવારી
જો રાજ્યોની વાત કરીએ તો, 5 મિલિયન (50 લાખ) થી વધુ વસ્તી ધરાવતા મોટા રાજ્યોમાં તેલંગાણા 6.36% ફુગાવાના દર સાથે દેશમાં સૌથી મોંઘું રાજ્ય સાબિત થયું છે. આ યાદીમાં બીજા નંબરે આંધ્રપ્રદેશ (5.39%) અને ત્રીજા નંબરે તમિલનાડુ (5.24%) આવે છે, જ્યાં મોંઘવારીએ મોટો આંચકો આપ્યો છે.
વર્ષે છૂટક ફુગાવાની સફર (મહિનાવાર દર)
| મહિનો (2026) | ફુગાવાનો દર |
| જાન્યુઆરી | 2.74% |
| ફેબ્રુઆરી | 3.21% |
| માર્ચ | 3.40% |
| એપ્રિલ | 3.48% |
| મે | 3.93% |
| જૂન | 4.38% |
