
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર પણ પડી શકે છે. નીતિ આયોગના નવા રિપોર્ટ અનુસાર, આ કટોકટીને કારણે ભારતની વેપાર અને મેક્રોઇકોનોમિક (વ્યાપક અર્થતંત્ર) સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે. આનાથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે અને રૂપિયાના વિનિમય દર પર પણ દબાણ આવી શકે છે. છતાં, અત્યંત અનિશ્ચિત સમયમાં પણ ભારતનો સર્વિસ ટ્રેડ અને અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું છે. આ રિપોર્ટમાં ગલ્ફ દેશો સાથેના વેપાર કરારો અને ખાસ કરીને રત્ન અને આભૂષણ (Gems and Jewellery) સેક્ટરને અપગ્રેડ કરવા અંગે મહત્વની સલાહ આપવામાં આવી છે.
નીતિ આયોગે નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરનો ‘ટ્રેડ વોચ’ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવાયું છે કે ગલ્ફ દેશોમાં અસ્થિરતાને કારણે ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની પ્રગતિ ઘણી ધીમી પડી ગઈ છે, જેના કારણે વેપારનું વૈવિધ્યકરણ અને નવા બજારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ અહેવાલ રજૂ કરતા નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરીએ સ્પષ્ટ કર્યું હતું કે, “ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ક્યારેય એકતરફી ન હોવા જોઈએ. જો આપણે તેને આપણા બજારના વિસ્તાર માટે એક તક તરીકે જોઈએ છીએ, તો સામેવાળા દેશો પણ આપણા બજારને પોતાના માટે એક તક તરીકે જ જુએ છે.” તેમણે ઉમેર્યું કે વેપારના અર્થશાસ્ત્રીઓ માટે નિકાસ કરતાં આયાત વધુ મહત્વની છે, કારણ કે આયાત જ આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક બનવા માટે દબાણ કરે છે. તેથી આપણે માર્કેટ એક્સેસની સાથે આયાતનું પણ સ્વાગત કરવું જોઈએ.
સુમન બેરીએ ભારતની આર્થિક મજબૂતી દર્શાવતા કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ભારતે સરેરાશ 6 ટકાનો ગ્રોથ રેટ જાળવી રાખ્યો છે. આ રિપોર્ટમાં ભારતના રત્ન અને આભૂષણ સેક્ટરને લઈને કેટલાક ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, હવે આ સેક્ટરે મધ્યમ મૂલ્યથી આગળ વધીને હાઈ-વેલ્યુ નિકાસ પર ધ્યાન આપવું જોઈએ. જેમાં નવી ડિઝાઈનવાળા, રિસર્ચ આધારિત, ભૌગોલિક સંકેત (GI) બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ, હળવા વજનના, ફેશનેબલ અને ખાસ કરીને પુરુષો માટેના ઘરેણાં પર ફોકસ કરવાની જરૂર છે.
આ ઉપરાંત, જ્વેલરી ઉદ્યોગમાં વેપાર સરળ બનાવવા (Ease of doing business) માટે કાચા માલની સપ્લાય ચેઈન સુધારવા અને ડ્યુટી રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) નો નફો વધારવા માટે તેમને સરળતાથી ફાઈનાન્સ મળી રહે તે જરૂરી છે. રિપોર્ટમાં MSME ને સિક્યોરિટી વિના લોન, ક્રેડિટ ગેરંટી, વ્યાજ સબસિડી અને સપ્લાય ચેઈન ફાઈનાન્સ પૂરા પાડવાની ભલામણ પણ કરાઈ છે. કસ્ટમ અને DGFT ની પ્રક્રિયાઓ સરળ બનાવીને, આયાત-નિકાસના નિયમો હળવા કરવા અને પુરાવા આધારિત નીતિઓ ઘડવા માટે અલગથી જ્વેલરી ડેટાબેઝ સિસ્ટમ બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
પેઈડ પ્રમોશન માટે નૈતિકતા વેચી દેનારા આવા કહેવાતા ઇન્ફ્લુએન્ઝર્સ પર કડક કાર્યવાહી – https://www.instagram.com/reel/DXWteHxDAsj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ચેતના પાંડેનો સુપર હોટ લુક, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
