
વર્ષ 2025માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી 3.2% રહી છે. પાકિસ્તાન આ મામલે ભારતની આસપાસ પણ ઊભેલું દેખાતું નથી.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા (USA), ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોપ 4 દેશો છે. ત્યારબાદ ભારત 5મા નંબર પર છે. 2025માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.9% વધુ છે. આ વધારાનું એક મોટું કારણ પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર હતું. આ સૈન્ય અભિયાન દરમિયાન સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવા સશસ્ત્ર દળોએ તાત્કાલિક ધોરણે હથિયારો અને સાધનસામગ્રીની ઘણી મહત્વપૂર્ણ ખરીદીઓ કરી હતી.
ચીન અને પાકિસ્તાન સ્થિતિ
સિપરી (SIPRI)ના આંકડા દર્શાવે છે કે, ભારતના પાડોશી દેશોએ પણ પોતાની સેના પર ખર્ચ વધાર્યો છે. દુનિયામાં બીજો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ ચીન છે. તેણે પોતાના સંરક્ષણ બજેટમાં 7.4% નો વધારો કર્યો છે, જેનાથી તેનો કુલ ખર્ચ 336 અબજ ડોલર થઈ ગયો છે. જ્યારે પાકિસ્તાને આર્થિક પડકારો હોવા છતાં સૈન્ય ખર્ચમાં 11% નો વધારો જોવા મળ્યો છે. માત્ર 11.9 અબજ ડોલરના ખર્ચ સાથે પાકિસ્તાન આ 40 દેશોની યાદીમાં 31મા સ્થાને છે.
દુનિયાભરમાં સંરક્ષણ ખર્ચ રેકોર્ડ સ્તરે
સૈન્ય પાછળ ખર્ચ કરનાર ટોચના ત્રણ દેશોમાં અમેરિકા, ચીન અને રશિયા મળીને વૈશ્વિક સૈન્ય ખર્ચનો 51% હિસ્સો કવર કરે છે. આ ત્રણેય દેશોએ કુલ 1,480 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. વર્ષ 2025માં આખી દુનિયાનો સૈન્ય ખર્ચ વધીને 2,887 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
યુરોપમાં મોટો ઉછાળો
વૈશ્વિક સ્તરે ખર્ચ વધવાનું સૌથી મોટું કારણ યુરોપ રહ્યું, જ્યાં સૈન્ય ખર્ચમાં 14% નો વધારો (કુલ 864 અબજ ડોલર) થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશવા અને નાટો (NATO) દેશો દ્વારા શસ્ત્રસજ્જ થવાની કોશિશોને કારણે શીત યુદ્ધ (Cold War) પછી યુરોપમાં આ સૌથી ઝડપી વાર્ષિક વધારો છે.
હથિયારોની આયાતમાં ભારત અને રશિયા પર ઘટતી નિર્ભરતા
માર્ચમાં પ્રકાશિત સિપરીના અન્ય એક રિપોર્ટ “ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર્સ” અનુસાર, 2016-20 અને 2021-25ના સમયગાળા વચ્ચે ભારતની હથિયારોની આયાતમાં 4% નો ઘટાડો આવ્યો છે.
