
ભારત હવે માત્ર પોતાની સુરક્ષા માટે જ નહીં પરંતુ વિશ્વના ડિફેન્સ માર્કેટમાં પણ મજબૂત પગપેસારો કરી રહ્યું છે. જેમાં બ્રહ્મોસ મિસાઈલ આ ક્ષેત્રમાં સૌથી મોટું નામ બની ગઈ છે. રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ફિલિપાઈન્સ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથે મળીને 60 કરોડ ડોલરથી વધુ એટલે કે લગભગ 58 અબજ રૂપિયાના સોદા પૂરા થઈ ચૂક્યા છે.
ફિલિપાઈન્સ સાથે લગભગ 33 કરોડ ડોલરનો કરાર થયો છે અને મિસાઈલોની સપ્લાય પણ શરૂ થઈ ગઈ છે. વિયેતનામ સાથે 10 કરોડ ડોલર અને ઇન્ડોનેશિયા સાથે 20 કરોડ ડોલરના કરાર થયા છે. આ મિસાઈલ હવે વિમાનમાંથી છોડવાના વર્ઝનમાં પણ તૈયાર થઈ ચૂકી છે. સુખોઈ ફાઈટર જેટમાંથી તેને છોડવાની કસોટી સફળ રહી છે.
જેમાં રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસે પોતાની ચોકસાઈ અને ક્ષમતા સાબિત કરી છે. તે ધ્વનિ કરતાં વધુ ઝડપથી ટાર્ગેટને નિશાન બનાવે છે અને પ્રોગ્રેસની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આથી આગળ પણ ભારતના હથિયારોના નિકાસમાં તે મોટી ભૂમિકા ભજવતી રહેશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અગાઉ કહ્યું હતું કે, બ્રહ્મોસ માત્ર એક મિસાઈલ નથી, પરંતુ ભારતની વધતી રક્ષા ક્ષમતાનું પ્રતીક છે. ભારતનો રક્ષા નિકાસ હવે વિશ્વના 80 દેશો સુધી પહોંચી ગયો છે. વર્ષ 2025-26માં તે વધીને 38,424 કરોડ રૂપિયા થયો છે જે એક વર્ષમાં જ 62 ટકાથી વધુની ગ્રોથ દર્શાવે છે
