
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી સ્કૂલમાં એન્યુઅલ ફંકશન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ડાન્સ કાર્યક્રમ દરમિયાન થયેલા ઝઘડામાં ચાર કિશોરોએ મળીને એક વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ એન્યુઅલ ફંકશનમાં ડાન્સ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન “ડાન્સ સમયે ખૂબ દમ બતાવતો હતો, હવે તારો દમ બતાવ” એવી ટિપ્પણી કરીને ચાર વિદ્યાર્થીઓએ હેમંત તિવારી નામના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં હેમંત તિવારીને ઇજા પહોંચતા તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ચારેય કિશોર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમની અટકાયત કરી છે.
પોલીસના પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વ્યક્તિગત વિવાદના કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાને કારણે શાળા તેમજ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ શાળાના કાર્યક્રમ દરમિયાન આવી ઘટના બનતા વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.
https://www.instagram.com/timenewsguj/
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: મારા નામે ફેલાવેલી વાતો કે અફવાઓમાં આવવું નહીં, જુઓ ઘરે પરત આવ્યા બાદ શું બોલી કિંજલ રબારી
