
મહેસાણાથી માનવતાને શર્મશાર કરે તેવી ઘટના સામે આવી છે. વાસ્તવમાં લાઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં 15 વર્ષથી પણ ઓછી ઉંમરની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે સગીરા ગર્ભવતી બની ગઈ અને પછી તેણે બાળકને જન્મ આપ્યો.
પ્રાથમિક વિગતો મુજબ સગીરાની માતા મજૂરી કરવા જતી હોવાથી સગીરા ઘણી વખત ગામના મહાકાળી માતાના મંદિર પાસે બેસીને તેની રાહ જોતી હતી. આ દરમિયાન ગામના એક યુવકે સગીરાને ઓળખાણ બનાવી ધીમે ધીમે પોતાની વાતોમાં ફસાવી હોવાનું કહેવામાં આવે છે. આરોપ છે કે, યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અને બાદમાં મંદિરના પાછળના એકાંત વિસ્તારમાં લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા. એવું પણ સામે આવ્યું છે કે, આ ઘટના એક વખત નહીં પરંતુ ઘણી વખત બની હતી.
છેલ્લા કેટલાક મહિનામાં આ ઘટનાના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પરિવારને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી સામે ફરિયાદ નોંધાવી. ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસો એ રહ્યો કે સગીરાને પ્રસવ પીડા શરૂ થતાં તેને સારવાર માટે લઈ જવાઈ રહી હતી ત્યારે રસ્તામાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાંજ બાળકનો જન્મ થયો. ત્યારબાદ માતા અને નવજાત બાળકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે લાઘણજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી યુવક સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે કેસની તમામ વિગતો તપાસવામાં આવી રહી છે અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી ચાલુ છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાતી સિંગર કિંજલ રબારીએ આંતરજાતિય લગ્ન કર્યાં, પતિ પર હુમલો થતાં સોશિયલ મીડિયામાં કર્યો ખુલાસો
