
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારના રાજીવનગર નજીક જીવરાજ બ્રિજ નીચે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. થોડા જ સેકન્ડોમાં ચાર હુમલાખોરોએ લાકડી અને લોખંડની પાઈપ વડે એવો બર્બર હુમલો કર્યો કે એક જીવતું માણસ મોતને ભેટ્યો. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભારે રોષ અને ભય બંને ફેલાયા છે.
માહિતી અનુસાર મૃતકની ઓળખ નટુ પરમાર તરીકે થઈ છે. ગઇકાલે 2 મેની મોડી રાત્રે તેઓ સિગારેટ પીવા માટે બહાર ગયા હતા ત્યારે અચાનક ચાર અસામાજિક તત્વોએ તેમની પર હુમલો કર્યો. હુમલાખોરો પાસે લાકડીઓ અને લોખંડની પાઈપ હતી. જેના વડે તેમણે નિર્દયતાપૂર્વક માર માર્યો. આ સમગ્ર ઘટના માત્ર 22 સેકન્ડમાં બની હતી. જેમાં હુમલાખોરોએ લગભગ 36 જેટલા ઘા કર્યા હોવાનું CCTVમાં સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નટુ પરમારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પારિવારિક વિવાદનું કારણ હોઈ શકે છે. નટુ પરમારના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઈને વિવાદ ચાલતો હતો. આરોપ છે કે મૃતકની પુત્રવધૂના પરિવારે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાના પહેલા દિવસે કેટલાક શખ્સોએ “અખબારનગરના ડોન” તરીકે ઓળખ આપીને ધમકી પણ આપી હતી. તેઓ મૂળ દીકરાને નિશાન બનાવવા આવ્યા હતા. પરંતુ અંતે હુમલો તેના પિતા નટુ પરમાર પર કરવામાં આવ્યો.
આ ઘટનાના CCTV ફૂટેજે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચારેય હુમલાખોરોએ જાહેરમાં બેફામ હુમલો કર્યો હતો. જેને જોઈ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જાહેર રસ્તા પર આ રીતે થયેલી હત્યાએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો આવી ઘટના ખુલ્લેઆમ થઈ શકે, તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં છે?
