Site icon Time News

પોલીસના જવાનો કામ ના કરતા હોય તો કેમ પગાર ચૂકવો છો, રસ્તા પર દબાણો મામલે હાઈકોર્ટ લાલઘૂમ

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને એએમસી સત્તાવાળાઓનો ઉધડો લઈ નાંખ્યો હતો. જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે શહેરમાં જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા સહિતના દબાણો અને ટ્રાફિકની સર્જાયેલી વિકટ સમસ્યાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. 

ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતના સત્તાધીશોને ફટકાર લગાવતાં જણાવ્યું હતુ કે, ‘પોલીસ મહેનતાણું (પગાર) મેળવતી હોવાછતાં કોઈ કામગીરી જ કરતી નથી અને મૂકપ્રેક્ષક બની તમાશો જોયા કરે છે. હાઇકોર્ટે આ કન્ટેમ્પ્ટ કેસમાં સત્તાધીશો વિરૂદ્ધ કેમ ચાર્જ ફ્રેમ ના કરવો એટલે સુધીની ચીમકી ઉચ્ચારી હતી. 

છેવેટ મુખ્ય સરકારી વકીલની વિનંતીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે ફરીવાર કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાની તક આપી હતી. આગળની સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરીએ રાખી હતી. શહેરના માર્ગો પર દબાણ, ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોર સહિતના મુદ્દા પરની કન્ટેમ્પ્ટ પિટિશનમાં 28મી જાન્યુઆરી હાઈકોર્ટે ફરી એકવાર શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને સરકારના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી. 

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ‘છેલ્લા છ વર્ષથી આ મેટર ચાલે છે અને મેટરની સુનાવલી હોય ત્યારે સત્તાવાળાઓ દેખાડવા માટે કામ મારે છે. હવે જાણે સત્તાવાળાઓ રૂટીન આ કેસમાં કાનૂની સેવા સત્તામંડળ પાસેથી બે વખત રિપોર્ટે પણ મંગાવ્યા છે. શહેરમાં આજે એ હદે ગંભીર પરિસ્થિતિ છે કે, જાહેર રસ્તાઓ લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા અને કાયમી દબાશોએ કબજે કરી લીધા છે. લગભગ 50 ટકા રોડ તો આ લોકો કબજે કરી લે છે તો મુખ્ય રોડ ઓ છે કયાં..? વાહનો ચલાવવા માટે કે નાગરિકો માટે રોડ કે ફુટપાથ ક્યાં બચે છે..? એક વખત દબાણો હટાવ્યા પછી પાછા ના આવે એ પ્રકારની આકરી અને પરિણામલક્ષી કામગીરી કરો.’

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, ‘અમે નજરે જોયુ છે કે, જાહેર રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોય તો પણ ટ્રાફિક પોલીસની જીપ ત્યાં જ હતી છતાં પોલીસ જવાને જીપમાંથી ઉતરવાની તસ્દી સુધ્ધાં લીધી નહીં. પોલીસ આંખો બંધ કરીને જાણે બેસી રહી છે તો અદાલત કસૂરવાર અધિકારીઓ વિરૂદ્ધ કેમ ચાર્જ કેમ ના કરે. કારણ કે, પોલીસ હોય કે કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓની એ જોવાની ફરજ છે કે, તેમના તાબાના અધિકારીઓ, કર્મચારીઓ કે જવાનો યોગ્ય અને અસરકારક રીતે ફરજ નિભાવી રહ્યા છે કે નહીં.’આ દરમિયાન એડવોકેટ અમિત પંચાલે અદાલતને જણાવ્યું કે, છેલ્લા છ-સાત વર્ષથી આ કેસની સુનાવણી ચાલે છે. અત્યાર સુધીમાં 102 સુનાવણીઓ અને 62 જેટલા હાઈકોર્ટ દ્વારા હુકમો કરાયા છે. છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાયુ નથી. ઉલ્ટાનો ગેરકાયદે દબાણો, ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ મુદ્દે હાઈકોર્ટના આદેશોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. તેથી હાઈકોર્ટે હવે કસૂરવાર અધિકારીઓ અને સત્તાવાળાઓ વિરૂદ્ધ ચાર્જહેમ કરી અદાલતી તિરસ્કારની કાર્યવાહી આગળ ધપાવવી જોઈએ.’ 

Exit mobile version