Site icon Time News

વડોદરામાં ચૂલા નજીક રમતી બાળકી પર ઓચિંતા પડ્યું ગરમ પાણી, 4 વર્ષની માસૂમનું મોત

વડોદરાથી માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ચાર વર્ષની બાળકીનું ગરમ પાણીથી દાઝી જતાં મોત નીપજ્યું છે. માહિતી પ્રમાણે, બાળકી ચૂલા પર રમી રહી હતી, દરમિયાન અચાનક પાણી ભરેલું વાસણ પડ્યું અને બાળકી ગરમ પાણીથી દાઝી ગઈ. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેનું મોત થઈ ગયું.

આ ઘટના વડોદરાના સમા વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. ઘરમાં ચૂલા પર પાણી ગરમ થઈ રહ્યું હતું. ત્યાં જ બાળકી રમી રહી હતી. માતાપિતા કામમાં વ્યસ્ત હતા. ચૂલા પાસે જ એક લાકડું પડ્યું હતું. રમતી વખતે બાળકીનો પગ આ લાકડા પર પડ્યો અને લાકડું ઉછળ્યું અને ઊકળતું પાણી ભરેલું વાસણ સીધું માસૂમ બાળકી પર પડ્યું અને તે ગરમ પાણીથી દાઝી ગઈ.

બાળકી ગંભીર રીતે દાઝી જતાં તેણે તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે, બાળકીની તબિયતમાં શરૂઆતમાં થોડો સુધારો થતો જણાયો, પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીના શરીરમાં ઇન્ફેકશન ફેલાઈ જતાં તેની હાલત વધુ બગડી ગઈ હતી. ત્યારે સારવાર દરમિયાન હોસ્પિટલના આઈસીયુમાં બાળકીએ દમ તોડી દીધો. એકમાત્ર દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ ઘટના અંગે પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક કમનસીબ ઘરેલુ અકસ્માત હોવાનું જણાઈ રહ્યું છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવશે.

Exit mobile version