
અમદાવાદ મહાનગરપાલિકાની નવી બોડી રચાયા બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નવા મેયર તરીકે હિતેશ બારોટે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ બેઠક માત્ર ઔપચારિકતા પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ નવા નેતૃત્વના વિચારો અને કાર્યશૈલીની ઝલક પણ શહેરને મળી હતી. મેયર પદ સંભાળ્યા બાદ હિતેશ બારોટે લીધેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ મેયર તરીકે મળતી અનેક સુવિધાઓનો ઉપયોગ નહીં કરે. તેમણે મેયર બંગલાનો ઉપયોગ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ કોઈપણ સંસ્થા પાસેથી વાઉચર કે વિશેષ લાભ લીધો નથી અને લઇશ પણ નહિ. એટલું જ નહીં તેઓ કોઈપણ પ્રકારની ભેટ સ્વીકારશે નહીં અને પોતાની ખાનગી ઇલેક્ટ્રિક કારનો જ ઉપયોગ કરશે તેવી માહિતી પણ આપી હતી. જરૂરિયાત ઊભી થાય ત્યારે જ પ્રોટોકોલ મુજબની સરકારી કારનો ઉપયોગ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું.
નવી સામાન્ય સભામાં હિતેશ બારોટે નાગરિકોને વિશ્વાસ આપ્યો કે, શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. મેયર ઓફિસમાં બેસીને લોકોના પ્રશ્નો સાંભળવા અને ઝડપી નિરાકરણ લાવવા પર તેઓ ભાર મૂકશે. અગાઉ કોર્પોરેટર તરીકે મેળવેલા અનુભવનો ઉપયોગ કરીને વિકાસકાર્યોને વધુ ગતિ આપવામાં આવશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી.
મેયર તરીકે આશરે 900 દિવસ સેવા આપવાનો મોકો મળવા બદલ હિતેશ બારોટે પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમદાવાદના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શહેરમાં આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોના આયોજનને ધ્યાનમાં રાખીને શહેરને વધુ સજ્જ બનાવવા માટે કામગીરી હાથ ધરાશે. આ સામાન્ય સભા દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયર માટેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી. હિતેશ બારોટ મેયર તરીકે પસંદ થયા જ્યારે અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપાઈ હતી. નવી ટીમ સાથે હવે અમદાવાદના વિકાસને નવી દિશા મળે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
