Site icon Time News

નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટે પોલીસ વિભાગ અને SMCનો ઉધડો લીધો

આજે ગુજરાત હાઇકોર્ટમાં સુરત નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી હાથ ધરાઈ. 2 જુલાઈ એ વધુ સુનાવણી હાથ ધરાશે. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. જસ્ટિસ નિખિલ કેરિયલની કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટમાં જમા કરાવેલ એફિડેવિટ આજે કોર્ટમાં રજૂ કરાઇ. કોર્ટમાં વકીલો દ્વારા દલીલો અને રજુઆત કરવામાં આવી. કોર્ટે કમિશનરની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી. 

ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન નાસીરનગર ડિમોલેશન અને અધિકારીઓની કામગીરી તથા ડીમોલેશનની મંજૂરી અંગે વિગતો માંગવામાં આવી. કોર્ટે કમિશનરની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી. 10 દિવસ સુધી કમિશનર દ્વારા કઈ ન કરાયું તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો.  કોર્ટે આ મામલે સુઓમોટો લેવાની જરૂર હતી તેવું પણ જણાવ્યું. રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાની ખાતરી આપવામાં આવી છે. કોર્ટે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જે અધિકારીઓ હાજર હતા તે કોના કહેવાથી હાજર હતા. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે સમગ્ર મામલે પોલીસને લેખિત જાણ કરાઈ હતી. કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસની મદદ લેવાઈ હતી. આ સુનાવણીમાં કમિશનર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે જે થયું તે નહોતું થવું જોઈતું. હાઈકોર્ટે કહ્યું કે SMC દ્વારા માત્ર રિમાર્કેશન માટે જવાનો ઉલ્લેખ કર્યો હતો. રિમાર્કેશન હતું તો આટલી બધી પોલીસ કેમ. પીઆઈ દ્વારા ઉચ્ચ અધિકારીને બોલાવ્યા હતા. જ્યારે એડવોકેટ જનરલે  કહ્યું કે જે દેખાય છે તેના કરતાં વાત અલગ છે. કોર્ટમાં SMC, સરકાર અને ટોરેન્ટ વતી વકીલ હાજર રહ્યા જેઓ વચ્ચે દલીલો અને રજુઆત થઈ. સોગંદનામું રજૂ ન કરતા સમય માંગવામાં આવતા હવે 2 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે. આ સાથે જ્યાં સુધી આગામી આદેશ ન થાય ત્યાં સુધી પીડિતોને વ્યવસ્થા કરી આપવા સૂચન કરવામાં આવ્યું છે. 

કોર્ટ સુનાવણી મહત્વના મુદા….

સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમીશ્નર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ, પોલીસ અને SMC ના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે કેટલાક નિર્દેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનવણી રાખી હતી. અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા 150 થી વધુ મકાનો 30 મે ના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો? તો અરજદાર વતી જવાબ અપાયો હતો કે ડિમોલિશન સમયે ઘટના સ્થળે SMCના અધિકારીઓ અને 20 થી 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. 

બીજી બાજુ 1 જૂને અરજદારોએ SMC કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપતા જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલિશનનો કોઈ હુકમ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં વર્ષ 1969માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજો પણ રહેતા આવ્યા છે. અચાનક 30 મેના રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા ? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર એજન્સી SMC ની છે. ટોરેન્ટ પાવરે ડિમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો. ડિમોલિશન સ્થળે 7 જેટલા SMC ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ 20 થી 25 જેટલા સુરત SOG વિભાગના પોલીસ કર્મચારી અને ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર હતા. પાલિયા બિલ્ડરના આદેશ ઉપર શ્રી રામ એજન્સી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાં આર્કિટેક્ટ રજનીકાંત પણ ઉપસ્થિત હતા. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રહેવાસીઓને માત્ર 1 કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોના પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડિમોલિશનના કાટમાળ નીચે દબાઈ ગયો હતો.

કોર્ટમાં અરજીમાં વિલંબ કેમ?
સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે 30 મે ના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું ? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા SMC કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી, તો તેઓએ કહ્યું કે SMC નો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. 21 જૂને SMC કમિશ્નરે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ડિમોલિશન સમયે ત્યાં કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા. 

હાઈકોર્ટે પૂછ્યા સવાલ!

રહેવા માટે આપવા પડે ઘર-કોર્ટ
હાઈકોર્ટે કહ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશ્નર જવાબ આપે કે ડિમોલિશન SMC એ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ ? જો SOG ના DCP ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય પણ આ બાબતમાં જવાબદારી માંથી હાથ ખંખેરી શકે નહીં. આ એક ખૂબ સંવેદનશીલ મુદ્દો છે.ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીરનગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા ?આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટી દ્વારા આ ડિમોલિશન મુદ્દે શું પગલાં લેવામાં આવ્યા છે ? સુરત મહાનગરપાલિકા અથવા તેમના અધિકારીઓ દ્વારા પણ જો કાયદો અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હોય તો તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી છે. સુરત મહાનગરપાલિકાએ જેમના મકાન ડિમોલિશન કર્યા છે, તેમને રહેવા ઘર આપવું પડે. કોર્ટ પાસે તેનો પ્લાન પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ છે.29 જૂને સોમવારના રોજ સવારે સૌથી પહેલા આ અરજી ઉપર સુનાવણી યોજાશે.જેમાં ટોરેન્ટ પાવરના વકીલ પણ ઉપસ્થિત રહેશે.

Exit mobile version