
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષો અને મમતા બેનર્જીની પાર્ટીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. SIR રદ કરવાની, કથિત રીતે મતદારોનાં નામ યાદીમાંથી હટાવવા બદલ જવાબદારી નક્કી કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJPએ આ પ્રદર્શનનું એલાન કર્યું છે.
સવારે 10 વાગ્યે જંતર-મંતર પહોંચવાની અપીલ કરવામાં આવી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે તેમના સાથીદારો સૌરભ દાસ, આશુતોષ રાંકા સહિત અનેક સમર્થકો સાથે સવારે 9:30 વાગ્યે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી જંતર-મંતર જવાનો પ્રયાસ કરશે. જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી નથી. અભિજીત દીપકેનું કહેવું છે કે તેમને જ્યાં રોકવામાં આવશે, ત્યાં જ જંતર-મંતર હશે. તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. તેમનું કહેવું છે કે પ્રદર્શન તો થશે જ.
દિલ્હીમાં કેટલી કડક સુરક્ષા વ્યવસ્થા?
દિલ્હીમાં CJP અને વિપક્ષના પ્રદર્શન પહેલાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 23 હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
જંતર-મંતર સુધી ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. લાઉડસ્પીકર દ્વારા કલમ 163નો ઉલ્લેખ કરીને લોકોને ત્યાં એકઠા ન થવાની સતત ચેતવણી આપવામાં આવી રહી છે. પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જનપથ, કનોટ પ્લેસ અને જંતર-મંતર રોડ પર ત્રણથી ચાર સ્તરનું બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
સંસદ માર્ગ તરફ જતો રસ્તો એક તરફથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ તરફ જતા રાહદારીઓને પણ પાછા મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓના ગણવેશ પર બોડી કેમેરા લગાવવામાં આવ્યા છે. જંતર-મંતર પર માત્ર મીડિયાકર્મીઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.
રૅપિડ ઍક્શન ફોર્સનાં વાહનો અને ખાનગી બસો પણ તહેનાત કરવામાં આવી છે, જેથી પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચે તો તેમને અટકાયતમાં લઈ શકાય.
નવી દિલ્હી અને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર આવતી કેટલીક સ્પેશિયલ અને મેલ ટ્રેનો રદ કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 75 ટ્રેનો રદ કરવામાં આવી હોવાનો અહેવાલ છે. 45 મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આજે દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં 10 અટકાયત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, નવી દિલ્હી જિલ્લામાં જંતર-મંતરની આસપાસ ચાર કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે CJPને પ્રદર્શનની મંજૂરી કેમ ન આપી?
દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી ન આપવાના કેટલાક કારણો જણાવ્યાં છે:
પ્રદર્શન માટે મોડેથી અરજી કરવામાં આવી હતી.
નિયમ મુજબ 10 દિવસ પહેલાં અરજી કરવાની હોય છે.
CJPએ 7 ઓક્ટોબરે અરજી કરી હતી.
નવી દિલ્હી વિસ્તારમાં કલમ 163 લાગુ છે.
નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
CJPના પ્રદર્શનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
CJPના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે લીધેલાં સાવચેતીનાં પગલાંથી સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. દલીલ કરવામાં આવી હતી કે માત્ર આશંકાના આધારે બધું બંધ કરવામાં આવી રહ્યું છે.
આના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, 20 જૂને પ્રદર્શનની મંજૂરી માગવામાં આવી હતી, જે પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જોકે, એક દિવસની મંજૂરી લઈને પ્રદર્શનકારીઓ 17 દિવસ સુધી ત્યાં બેસી રહ્યા હતા. તેમણે સંસદ તરફ જવાનો પ્રયાસ પણ કર્યો હતો. પ્રદર્શનકારીઓને સંસદ તરફ જતાં રોકવા દરમિયાન 200થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અનેક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અનેક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન કરવો જોઈએ.
નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
મેટ્રો સ્ટેશનો અને ટ્રેનો બંધ કરવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.
સામાન્ય લોકોને અસુવિધા થવી જોઈએ નહીં.
વિરોધ પ્રદર્શન માટે મોટા સ્થળની વ્યવસ્થા કરવા અંગે વિચાર કરવો જોઈએ.
નોઇડામાં પણ વિરોધ પ્રદર્શનને લઈને કડકાઈ
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે નોઇડામાં પણ ધરણાં-પ્રદર્શન અને ભીડ એકઠી કરવા અંગે કડક પગલાં લેવામાં આવ્યાં છે. ગૌતમ બુદ્ધ નગરમાં 20 ઓક્ટોબર સુધી કલમ 163 લાગુ કરવામાં આવી છે.
નવરાત્રિ, પરીક્ષાઓ અને ખેડૂત સંગઠનો દ્વારા સંભવિત ધરણાં-પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો છે. મંજૂરી વિના એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દિલ્હી-નોઇડાની ચિલ્લા સરહદ પર પણ સુરક્ષા વધારાઈ
જંતર-મંતર પર પ્રદર્શન પહેલાં દિલ્હી-નોઇડાની ચિલ્લા સરહદ પર પણ સુરક્ષાનાં કડક પગલાં લેવામાં આવ્યાં છે. સાવચેતીના ભાગરૂપે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી ઉત્તર પ્રદેશ તરફથી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ દિલ્હી તરફ આવે તો તેમને સરહદ પર જ અટકાવી શકાય.
પ્રદર્શનકારીઓને જંતર-મંતર સુધી પહોંચતા રોકવા માટે પોલીસ અગાઉથી જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહી છે.
