
મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ગઇ કાલે વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે.
બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 14 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાશે. જેના પગલે 13 કે 14 સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે.
હવામાન વિભાગના મોડલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઇ શકે છે. જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસે તેવી શક્યતા જોવાઇ રહી છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી 14 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો, Horoscope: સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે, આ રાશિના જાતકોને નવી તકોથી લાભ, જુઓ રાશિ ભવિષ્ય
